મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

કર્ણાટક : મુખ્યમંત્રી બનવા કોંગ્રેસમાં લાઇનો લાગી!

વિશ્વાસનો મત જીત્યા પછી પણ 'કુમાર'ને શાંતિ નહિ રહે... : જોડાણ કેટલું ટકશે? : નાયબ મુખ્યમંત્રી પરમેશ્વર કહે છે, હજુ વિભાગોના વિતરણ અંગે અનિશ્ચિતતા છે

બેંગલુરૂ તા. ૨૫ : વિશ્વાસ મત પર મતદાન અગાઉ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે કહ્યું છે કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને એચ ડી કુમારસ્વામીના ૫ વર્ષ પૂરા રહેવા અંગે હજુ સુધી કોઇ ચર્ચા કરી નથી.

 

શું કુમારસ્વામી ૫ વર્ષ સુધી મુખ્યમંત્રી બની રહેશે એવું પુછવામાં આવેલા એક પ્રશ્નના જવામાં પરમેશ્વરે કહ્યું કે હજુ સુધી એ પણ નક્કી કરવામાં આવ્યું નથી કે કયો-કયો વિભાગ તેમને સોંપવામાં આવશે અને કયો વિભાગ અમારી પાસે રહેશે. તેમને ૫ વર્ષ સુધી રહેવાનું કે અમને પમ તક મળશે તે તમામ વિષયો પર હજુ સુધી ગઠબંધનની બેઠકમાં ચર્ચા કરવામાં આવેલી નથી.

શું મુખ્યમંત્રીનું પદ જેડી(એસ)ને ૫ વર્ષ માટે આપવાને લઇને કોંગ્રેસ સંતુષ્ટ છે તો પરમેશ્વરે કહ્યું કે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. અમારું મુખ્ય લક્ષ્ય રાજયમાં સુશાસન લાવવાનું છે.

શપથગ્રહણ અગાઉ કુમારસ્વામીએ આ ખબરોનું ખંડન કર્યું હતુ કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની પાર્ટી ગઠબંધન સહયોગી કોંગ્રેસની સાથે ૩૦-૩૦ મહિના માટે સરકારનું નેતૃત્વવાળા ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે આ પ્રકારની કોઇપણ વાતચીત થઇ નથી.

નેતાઓ વચ્ચે કોઇપણ પ્રકારના મતમેદ હોવાના ઇનકાર કરતા પરમેશ્વરે કહ્યું કે પદની માંગણી કરવી તે કાંઇ ખોટુ નથી. પરમેશ્વરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં ઘણા નેતા છે જે ઉપ મુખ્યમંત્રી અથવા તો મુખ્યમંત્રી બનવાની ક્ષમતા ધરાવે છે.

આ કોંગ્રેસ પાર્ટીની તાકાત છે. જયારે અમે ગઠબંધન સરકારમાં છીએ તો આ વાતનો નિર્ણય કોંગ્રેસ હાઇ કમાન્ડે કરવાનો છે કે આ પરિસ્થિતિમાં કોને કયુ પદ સોંપવામાં આવે.

(11:48 am IST)