મુખ્ય સમાચાર
News of Thursday, 25th April 2019

વ્યકત થવાની ઈચ્છાથી કલા જન્મેઃ મિલિન્દ ગઢવી

'રાઈજાઈ' અને 'નન્હે આંસુ'ના સર્જકના શબ્દો...પિતાશ્રીના નિધન બાદ સર્જાયેલો ખાલીપો સર્જનનું કારણ બન્યો

રાજકોટ, તા. ૨૫ :. અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સના પ્રથમ પ્રકાશિત પુસ્તકો 'રાઈજાઈ' અને 'નન્હે આંસુ'ના સર્જક મિલિન્દ ગઢવી આગવી પ્રતિભા ધરાવે છે. મિલિન્દમાં નરસિંહ ભૂમિની સુગંધ અને ચારણ કૂળનો વિશિષ્ટ સંગમ રચાયેલો છે.

મિલિન્દ ગઢવી જૂનાગઢના છે. સમઢિયાળા-ગીર ખાતે ગ્રામીણ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. એમબીએ થયેલા મિલિન્દભાઈ કોમર્સને બદલે સાહિત્યક શબ્દોથી ધબકતુ વ્યકિતત્વ ધરાવે છે.

તેઓ કહે છે કે, વ્યકત થવાની ઈચ્છાથી કલાનો જન્મ થાય છે. નાની વયે મારા જીવનમાં ખાલીપો સર્જાયો હતો. પિતાશ્રીની વિદાય બાદ ખાલીપાનો અનુભવ થયેલો. આ સંજોગોમાં વ્યાપકરૂપે વ્યકત થવા શબ્દો આલેખનનો સહારો લીધો અને લેખન કલાના માર્ગે સર્જનની સાધના શરૂ થઈ ગઈ.

નરસિંહ ભૂમિની સુગંધ, ખાલીપો અને ચારણકૂળ... આ વીરલ સંગમથી મિલિન્દનું વ્યકિતત્વ આગવું બન્યુ. ગુજરાતી આત્મસાત્ હતી. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો, હિન્દી ભાષાને પ્રેમથી પોતાની કરી અને હાલ ઉર્દુ ભાષાનો અભ્યાસ ચાલે છે. મિલિન્દમાં ભાષાનું વૈવિધ્ય છે,  ભાવનું દૈવત છે. લોક સાહિત્યથી માંડીને વિશ્વ સાહિત્યનો તેમણે ગહન અભ્યાસ કર્યો છે. તે ખૂબ વાંચેછે, પરંતુ ઓછું લખે છે - હા લખે છે તે શ્રેષ્ઠ હોય છે.

મિલિન્દ કહે છે કે, ભવિષ્યમાં અંગ્રેજી શ્રેષ્ઠ સાહિત્યનો અનુવાદ કરીને ગુજરાતીમાં આપીશ અને ગુજરાતી શ્રેષ્ઠ સાહિત્યનો અનુવાદ કરીને હિન્દી-અંગ્રેજીમાં આપીશ. ઉપરાંત ચારણ કવિઓના આસ્વાદને નવા દ્રષ્ટિકોણથી રજુ કરીશ.

સરસ્વતી દેવીની કૃપા ધરાવતા મિલિન્દભાઈ કાર્યક્રમોના સંચાલનોમાં પણ લોકપ્રિયતા ધરાવે છે. આવા સાહિત્યકારના બે પુસ્તકોનું વિમોચન આગામી તા. ૭ ના થનાર છે. મિલિન્દના અને અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સના - બન્નેના આ પ્રથમ પુસ્તકો છે.(૨-૨૮)

(11:45 am IST)