મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

કાશ્મીરમાં આતંકીઓને નાણાકીય મદદ કરનારા વધુ 13 લોકો ઓળખાયા :એનઆઈએ દ્વારા કાર્યવાહી શરુ

અત્યાર સુધીમાં 100 લોકોની ધરપકડ :કેટલાકની સંપત્તિ જપ્ત કરાઈ :હવાલા નેટવર્ક પણ ખુલ્યું :અનેક લોકો ઝપટે ચડશે

શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને નાણાકીય મદદ પુરી પાડનારા વધુ ૧૩ લોકોની ઓળખ કરી લેવાઈ છે તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ શરૃ કરી દેવાઇ છે. છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં આતંકીઓને મળનારી નાણાકીય મદદ પર તવાઇ ચલાવવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં ૧૦૦ જેટલાની ધરપકડ પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આતંકીઓને મદદ કરનારાઓની સંપત્તિ પણ જપ્ત કરી લીધી છે અને હજુ અનેક વિરુદ્ધ એ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

   એનઆઇએ દ્વારા ૧૩ એવા શખ્સોની ઓળખ કરવામાં આવી છે કે જેઓ આતંકીઓને નાણાકીય મદદ કરી રહ્યા છે, તેમની સંપત્તિને પણ જપ્ત કરવાની પ્રક્રિયા જારી કરી દેવાઇ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તોયબા ઉપરાંત અલગાવવાદીઓ અને પથ્થરબાજોને નાણાકીય મદદ પુરી પાડનારા ૧૩ જુદા જુદા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.

   સ્થાનિકોનું ધ્યાન ભટકાવવા માટે આ લોકો અહીંની મસ્જિદો, મદરેસાને પણ દાન આપતા હતા. થોડા દિવસ પહેલા જ ગુડગાવ સ્થિત ઝહુર અહેમદ શાહ વતાલીનો એક વૈભવી બંગલો જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ વતાલી દિલ્હીના તિહાર જેલમાં કેદ છે.

   ઇડી દ્વારા જપ્ત ડોક્યુમેન્ટ્સમાં સામે આવ્યું હતું કે વતાલી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના સ્થાપક હાફિઝ સઇદ, સલાહુદ્દીન, આઇએસઆઇ અને પાકિસ્તાન હાઇ કમિશન પાસેથી ફંડ મેળવતો હતો અને તેનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવામાં કરતો હતો. દુબઇમાં પણ હવાલા દ્વારા પૈસાની હેરફેરનું એક નેટવર્ક ઉભુ કર્યું હતું.

(7:38 pm IST)