મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

અમેરિકા પણ કહે છે અલનીનો આવે છે

૬૦ ટકા શકયતાઃ ફેબ્રુઆરીમાં નબળુ હતું પણ હવે મજબુત બન્યું: જુન સુધીમાં નબળુ પડવાની શકયતા

નવી દિલ્હી તા.રપઃ અમેરિકન હવામાન એજન્સીઓને ઉનાળા દરમ્યાન અલનીનો સક્રિય રહેવાની ૬૦ % શકયતા હોવાની આગાહી કરી છે. જો આ આગાહી સાચી પડે તો ભારતીય ચોમાસાની સ્થિતિ ઘૂંઘળી બનવાની શકયતાઓ છે.

કેટલીક હવામાન એજન્સીઓ દ્વારા જાહેર કરાયું હતું કે પેસીફીક મહાસાગરમાં ફેબ્રુઆરીમાં અલનીનો સક્રિય થયું છે. ત્યારપછી તેની સ્થિતિ મજબુત બની છે અને મોટાભાગની આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાઓ હવે આગાહી કરે છે કે આગામી મહિનાઓમાં તે સક્રિય રહેશે.

જો કે અલનીનોની અસર કયારે પૂરી થશે તે બાબત અચોક્કસતા છે. હવામાન સંસ્થાઓનું માનવું છે કે માર્ચ મહિનામાં અલનીનો વિષે આગાહી કરવા બાબતે ચેતવતા કહ્યું છે વસંતઋતુમાં હવામાનમાં ઘણા ફેરફારો થતા હોવાથી તેની ચોકસાઇ અંગે કહી ન શકાય.

અલનીનો એટલે પૂર્વ અને મધ્ય પેસીફીક મહાસાગરના જળનું ગરમ થવું, જેના કારણે વાતાવરણના સકર્યુલેશનમાં ફેરફારો થાય છે અને તેની અસરો દુનિયાના ઘણા ભાગની ઋતુઓ પર થાય છે. કાયમ તો નહીં પણ મોટાભાગે આની અસર હેઠળ ભારતમાં ચોમાસું નબળું થાય છે. નબળા અલનીનોની અસર પણ સબળ અલનીનો જેટલી જ પ્રતિકુળ હોય છે.

અમેરિકન હવામાન ખાતા અનુસાર નબળા અલનીનોની શકયતા વસંતઋતુ દરમ્યાન ૮૦% અને ઉનાળા દરમ્યાન ૬૦% છે. અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે, તે ૨૦૧૫ના વસંતઋતુના વાતાવરણ જેવું જ છે જે ચોમાસું આવતા સુધીમાં મજબુત બની ગયું હતું. એક અમેરિકન નિષ્ણાંતનું કહેવું છે કે જો અત્યારથી કહેવું કે તે ૨૦૧૫ જેવું જ રહેશે તે ઘણું વહેલું છે.

ભારતીય હવામાન ખાતાના આ મહીને બહાર પડાયેલ બુલેટીનમાં પણ કહેવાયું છે કે નબળું અલનીનો સક્રિય બન્યું છે પણ તે જૂન -જુલાઇ સુધીમાં અદ્રશ્ય થઇ જશે.

 ભારતીય હવામાન ખાતાની લાંબાગાળાની આગાહી વિભાગના વડા શિવાનંદ પાઇએ કહ્યું ,'' અત્યારની પરિસ્થિતિ જોતાં, જુન સુધીમાં અલનીનો પુરૂ થઇ જશે અને ત્યારપછી સામાન્ય સ્થિતિ જોવા મળે તેવી અમને આશા છે. જો કે આવતા બે મહિનામાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.''

ગયા વર્ષના સપ્ટેમ્બરમાં અલનીનોની આગાહી કરાઇ હતી. પણ સમુદ્રનું ગરમ થવું ડીસેમ્બરમાં શરૂ થયું હતંુ. ફેબ્રુઆરીમાં મોટાભાગની હવામાન સંસ્થાઓએ વાતાવરણમાં થઇ રહેલા ફેરફારો જોતા તે સક્રિય થયું હોવાની જાહેરાત આખરે કરી હતી.

ભારતીય વેધશાળા ચોમાસા અંગેની આગાહી એપ્રિલના મધ્યમાં જાહેર કરશે. ત્યાર પછી હવામાન શાસ્ત્રીઓ માટે અલનીનો અંગેનું સ્પષ્ટ ચિત્ર બહાર આવશે. અલનીનો માટે ચોક્કસ માહિતી માટે આપણે મે મહિના સુધી રાહ જોવી જરૂરી છે.

(4:20 pm IST)