મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

ટેક્ષાસના બરફના તોફાન દરમ્યાન ભારતીય અમેરિકનોની અદ્વિતીય સેવા

વિશાલ દવે અને તેની ટીમે ૨૩૬ લોકોને બચાવ્યા

વોશીંગ્ટનઃ ૧૬ ફેબ્રુઆરીએ રાત્રે, બરફના તોફાન પછી જયારે ટેક્ષાસના લાખો લોકો વીજળી અને પાણી વગર હેરાન થઇ રહ્યા હતા, ત્યારે ધૂમ પ્રોડકશનના સંસ્થાપક અને ભારતીય અમેરિકન વિશાલ દવે બરફથી લપસણા બનેલા રસ્તાઓ પર પોતાની કાર ચલાવીને ઓસ્ટીનમાં આવેલ ઇવેન્ટ માટે બનાવેલ પોતાના, બીલ્ડીંગે પહોંચ્યા તો તેમને ખબર પડી કે તેમનું બીલ્ડીંગ એક માત્ર બીલ્ડીંગ હતું જેમાં લાઇટ ચાલુ હતી.

દવેએ કહ્યું કે મારા ઘરે પણ લાઇટ નહોતી, પણ અહીં લાઇટ હતી, મારે બીજાને મદદ કરવી જોઇએ તેનો આ દૈવી સંકેત હતો. તેણે તરત પોતાના કામદારો અને મીત્રો સાથે ઇમર્જન્સી મીટીંગ કરીને તાત્કાલિક આ પાર્ટીની ઉજવણી માટેના મકાનને કટોકટી માટેના આશ્રય સ્થાનમાં  ફેરવવાનું શરૂ કર્યુ. જેથી વીજળી અને પાણી વગર પોતાના ઘરોમાં ફસાયેલ લોકોને આશ્રય આપી શકાય.

સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરીને દવે અને અન્ય ભારતીય અમેરિકનોએ મુસીબતમાં હોય તેવા લોકોની ઓળખ કરી. જે લોકો બરફના કારણે ખતરનાક બનેલા રસ્તાઓ પરથી આશ્રયસ્થાન સુધી નહોતા પહોંચી શકે તેમ, તેમને લેવા માટે ૮ વાહનોનો કાફલો તૈયાર કરીને તેમને આશ્રયસ્થાન સુધી પહોંચાડયા.

દવે અને તેમની ટીમે આ રીતે ૨૩૬ લોકોને બચાવ્યા હતા. આશ્રયસ્થાનમાં આવેલા નાનકડા રસોડામાંથી તેમણે આ લોકોને હળવો નાસ્તો અને ચા આપવા ઉપરાંત કરાઓકે મ્યુઝીકનો પ્રોગ્રામ પણ સતત ચાલુ રાખતા રહ્યા. દવે કહે છે આશ્રય લેનારાઓ તણાવ ન અનુભવે એટલે અમે તેમને સતત મનોરંજન આપતા  રહ્યા.

(4:01 pm IST)