મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

સાંસદ મોહન ડેલકર આપઘાત કેસઃ આદિવાસીઓમાં ભભૂકયો રોષઃ CBI તપાસની કરી માંગઃ આવેદન અપાયું

મોહન ડેલકરના મોત માટે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી

ધરમપુરઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આઘાતજનક આપદ્યાત બાદ સમગ્ર પ્રદેશમાં શોકની લહેર છવાયેલી છે. સ્વ. મોહન ડેલકરના રહસ્યમય મોતને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેઓ સતત સાત ટર્મ સુધી સંદ્યપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ તરીકે જીતીને લોકસભામાં પ્રદેશનો અવાજ બન્યા હતા. નોંધનીય છે કે, મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટેલમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હવે મોહન ડેલકરના મોત માટે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મોહન ડેલકર સમગ્ર આદિવાસી વિસ્તારના સૌથી મોટા નેતા હતા. આથી વલસાડ જિલ્લામાં પણ મોહન ડેલકરના મોતને લઈને આદિવાસી સમાજ અનેક સવાલો ઉઠાવી રહ્યો છે. ધરમપુરમાં આદિવાસી સંગઠનોએ મોહન ડેલકરના મોતની તપાસમાં સીબીઆઈ દ્વારા તટસ્થ તપાસની માંગ કરી છે. તેમણે આ માટે એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને ધરમપુર પ્રાંત ઓફીસમાં આપ્યો છે.

મળતી માહિતી મુજબ, મોહન ડેલકરે પોતાના લેટરપેડ પર ૧૫ પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમને મોત માટે જવાબદાર કારણો અને અનેક લોકોના નામ પણ લખ્યા છે. આથી એક કદાવર પ્રદેશના સૌથી મોટા નેતાના આકસ્મિક આદ્યાતજનક નિધન બાદ લોકોમાં રોષ છે. મોહન ડેલકરના નિધન બાદ તેમના પરિવારજનોમાં તેમના પુત્ર અભિનવ ડેલકરે પણ તેના પિતાના મોત માટે જવાબદાર લોકો વિરુદ્ઘમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે તેમણે મહારાષ્ટ્ર પોલીસ આ કેસમાં તટસ્થ તપાસ કરે અને આરોપીઓ વિરુદ્ઘ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આદિવાસી સમાજને પણ અપીલ કરી હતી કે, તેમના પિતાનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ.

પોતાના મોટા નેતા ખોવાથી આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. મોહન ડેલકરને ન્યાય મળે તેવી માંગ સાથે આદિવાસી સમાજ હવે અવાજ ઉઠાવી રહ્યો છે. તેમની એવી પણ માંગ છે કે, મોહન ડેલકરના મોતના રહસ્ય પરથી પડદો ઊંચકવામાં આવે અને આરોપીઓ વિરોધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તપાસની માંગ કરતા આદિવાસી સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે વલસાડ ડાંગના સાંસદ ડો કે.સી પટેલના ભાઈ ડો.ડી સી પટેલ પણ જોડાયા હતા. તેઓએ પણ ડેલકરના મોત મામલે તપાસની માંગ કરી છે.

મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ પણ એક વીડિયો નિવેદન જાહેર કર્યું છે હતુ. જેમા તેમણે જણાવ્યું હતુ કે, મોહન ડેલકરની સુસાઇડ નોટમાં પ્રદેશના પ્રશાસકથી લઇ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓના નામ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી હવે મોહન ડેલકરના સુસાઇડ નોટમાં રહેલા રહસ્યો જયારે બહાર આવશે ત્યારે પ્રદેશમાં ખળભળાટ મચી જશે તે વાત ચોક્કસ છે. હવે આદિવાસી સંગઠનો પણ મોહન ડેલકરના મોત મામલે ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે અને આ મામલે સીબીઆઈ તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે.

(3:17 pm IST)