મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

પંચાયતોની ચૂંટણી બાદ મ્યુનિ.માં મેયર સહિતના હોદેદારોની નિમણુક

હવે મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી માટે : બેઠક કરવામાં આવશે રવિવારે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી ખતમ થયા બાદ બેઠક યોજાશે

નવી દિલ્હી,તા.૨૫ : મનપાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપે બહુમતિ હાંસેલ કરી લેતા હવે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી બાદ મેયર સહિતનાં હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ ભાજપના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

 ભાજપના સૂત્રો મુજબ, ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયા પૂરી થયાનું જાહેરનામું બહાર પડાય તેના સાતેક દિવસમાં મ્યુનિ. બોર્ડ બોલાવવાની જોગવાઈ છે. બીજી તરફ રાજ્યમાં હજુ જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાવાનું છે અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ પ્રવાસમાં વ્યસ્ત છે.

 એવામા ભાજપના નેતાઓ રવિવારે મતદાન બાદ મ્યુનિ. મેયર સહિતના હોદ્દેદારો પસંદ કરવા બેઠક યોજશે. જોકે ભાજપમાં ચાલતી ચર્ચા અનુસાર ઉમેદવારો પહેલાથી નક્કી હોવા છતાં કાર્યકરોના સંતોષ માટે બેઠક યોજાશે અને ફકિત મીટિંગ બાદ નામ જાહેર કરાશે. પાછલી ટર્મમાં ભાજપ નેતાગીરીની મીટિંગોમા મ્યુનિ.ના મેયર સહિતના હોદ્દેદારોની પસંદગીમાં ભારે ખેંચતાણ થઈ હતી, પરંતુ આ વખતે તેવું કંઈ ન થાય તેમ લાગી રહ્યું છે.

 એવામાં મ્યુનિ. તંત્ર દ્વારા નવા કોર્પોરેટરો માટે સામાન્ય સભા બોલાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. નવા ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટેરો માટે પહેલા ભાજપ કાર્યાલયમાં બેઠક યોજાશે આ બાદ તેમણે બોર્ડમાં કયા સમય શું કરવું તેની સમજ પાડવામાં આવશે. મ્યુનિ. બોર્ડ બેઠકમાં નવા મેયરના નામની જાહેરાત થશે અને ભાજપના હોદ્દેદારો, કોંગ્રેસ વગેરે તેમને આસન સુધી દોરી જશે. ત્યાર બાદ મેયરની અધ્યક્ષતામાં સામાન્ય સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ડે. મેયરની જાહેરાત કરાશે.

(3:16 pm IST)