મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

' મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ' ના નિયમ વિરુદ્ધ 132 સ્ટુડન્ટ્સને એડમિશન આપવા બદલ સારસ્વત મેડિકલ કોલેજને 5 કરોડ રૂપિયાનો દંડ : ગેરકાયદે એડમિશન મેળવનાર સ્ટુડન્ટ્સને અભ્યાસ પૂરો થયા પછી 2 વર્ષ સમાજસેવા કરવાનો સુપ્રીમ કોર્ટ જજ શ્રી એલ.નાગેશ્વર રાવ તથા શ્રી રવિન્દ્ર ભટ્ટનો આદેશ

ન્યુદિલ્હી : ' મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ' ( MCI ) ના નિયમની અવગણના કરી 132 સ્ટુડન્ટ્સને એડમિશન આપી દેવા બદલ સારસ્વત મેડિકલ કોલેજને  સુપ્રીમ કોર્ટએ  5 કરોડ રૂપિયાનો દંડ ફરમાવ્યો છે.જે આઠ સપ્તાહમાં કોર્ટ રજિસ્ટ્રી સમક્ષ જમા કરાવી દેવાનો હુકમ કરાયો છે.તેમજ આ રકમ પેટે સ્ટુડન્ટ્સ પાસેથી એક પણ રૂપિયો નહીં લેવાની સૂચના આપી છે.

પ્રાપ્ત વિગત મુજબ 2016 ની સાલમાં સ્થપાયેલી સારસ્વત મેડિકલ કોલેજએ 2017-18 ની સાલની શૈક્ષણિક ટર્મ માટે 150 સ્ટુડન્ટ્સને એડમિશન આપ્યું હતું.જે પૈકી 132 સ્ટુડન્ટ્સને NEET  ના આધારે MCI દ્વારા મોકલવામાં આવતા મેરીટ લિસ્ટને ધ્યાનમાં રાખ્યા વિના એડમિશન આપી દીધાનું જણાયું હતું.

આથી 132 સ્ટુડન્ટ્સના ગેરકાયદે એડમિશન રદ કરવા  MCI એ કોલેજને સૂચના આપી હતી. જેના અનુસંધાને  કોલેજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં જણાવાયા મુજબ  MCI એ મોકલેલા 150 સ્ટુડન્ટ્સના લિસ્ટમાંથી માત્ર 9 સ્ટુડન્ટ્સે જ એડમિશન લીધું હતું.તેથી બીજું લિસ્ટ મગાવ્યું હતું.પરંતુ તે કટઓફ ડેટના આગલા દિવસ સુધી નહીં મળતા  મેરીટ મુજબ 132 સ્ટુડન્ટ્સને એડમિશન અપાયું હતું.

MCI એ કરેલી દલીલ મુજબ લિસ્ટ મળવામાં વિલંબ થાય તો જાણ કરી શકાય છે.  NEET  ને ધ્યાનમાં લીધા સિવાય એડમિશન આપી શકાતા નથી.

 સુપ્રીમ કોર્ટ જજ શ્રી એલ.નાગેશ્વર રાવ તથા શ્રી રવિન્દ્ર ભટ્ટની બેન્ચે નોંધ્યું હતું કે એડમિશન લેનાર સ્ટુડન્ટ્સ પણ જાણતા હતા કે તેમનું એડમિશન ગેરકાયદે છે.છતાં તેઓએ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.હવે તેઓ બીજા વર્ષમાં છે.તેથી તેમના એડમિશન રદ કરવાનું કોઈ કારણ નથી.તેઓને અભ્યાસ પૂરો થાય પછી બે વર્ષ માટે સમાજસેવા  કરવાનો આદેશ આપવામાં આવે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)