મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

મોંઘવારી ભથ્થા સ્વરૂપે મળશે રાહત

ટુંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર આપશે ગિફટ

નવી દિલ્હી, તા.૨૫: કેન્દ્રીય કર્મચારીઓને ખૂબ જ ટૂંક સમયમાં ખુશખબરી મળી શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓને કોરોના વાયરસ મહામારી ના કારણે નાણાકીય પડકારોનો સામનો કરવામાં મદદ મળી શકે છે. મૂળે, મહામારીના કારણે કેન્દ્ર સરકાર એ આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા માં કાપ મૂકી દીધો હતો. પરંતુ હવે આશા રાખવામાં આવી રહી છે કે જાન્યુઆરી ૨૦૨૧થી જૂન ૨૦૨૧ સુધીની અવધિ માટે મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં વધારો કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ, ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને વધેલો પગાર મળશે. સાથોસાથ પેન્શનર્સ ને પણ સરકાર DA પર રાહત આપી શકે છે.

કોરોના મહામારીને જોતાં સરકારે ગયા વર્ષે મહત્વનો નિર્ણય લેતા DAના જૂના દર (૧૭ ટકા)ને જૂન ૨૦૨૧ સુધી લાગુ કરવાની જાહેરાત કરી હતી. જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૦ માટે વધારાનું ચાર ટકા મોંદ્યવારી ભથ્થું હજુ સુધી તેમના માસિક પગારમાં જોડવામાં આવ્યું નથી.

આ જ કારણ છે કે હાલના DA દર ૨૧ ટકા છે પરંતુ ચાર ટકા ઓછું ભથ્થું મળી રહ્યું છે. એવામાં કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે સરકાર હોળીની આસપાસ તેમને ગિફ્ટ આપી શકે છે. સરકારની આ ઘોષણાથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૧ લાખ પેન્શનરોને ફાયદો થશે.

ACPIના આંકડાઓ મુજબ, નરેન્દ્રભાઇ મોદી સરકાર જાન્યુઆરીથી જૂન ૨૦૨૧ના અવધિ માટે ચાર ટકા મોંઘવારી ભથ્થાની ઘોષણા કરી શકે છે. જેનો અર્થ એ છે કે DA લાગુ થયા બાદ તેમનું DA મૂળ માસિક પગાર (17+4+4) એટલે કે કુલ ૨૫ ટકા સુધી પહોંચી શકે છે. સાતમા પગાર પંચ મુજબ, DAની ઘોષણા થતાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રવાસ ભથ્થું (Travel Allowance- TA) આપોઆપ વધી જશે. એવામાં DAના ઘોષણા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો માસિક પગાર અનેકગણો વધી જશે. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો આ ખુશખબરીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(12:40 pm IST)