મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

મહારાષ્ટ્રમાં ફરીથી સ્થિતિ વણસી રહી છે

મહારાષ્ટ્રમાં વાશીમની હોસ્ટેલમાં ફૂટ્યો કોરોના બોમ્બઃ ઢગલો વિદ્યાર્થી કોરોના સંક્રમિત

વાશીમમાં હોસ્ટેલના ૨૨૯ વિદ્યાર્થીઓ અને ૩ સ્ટાફના સભ્યો એકસાથે કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે

મુંબઈ, તા.૨૫: સમગ્ર દેશમાં કોરોના નો પ્રકોપ વધી રહ્યો હોય તેવું જણાય છે. મહારાષ્ટ્ર માં ફરીથી સ્થિતિ વણસી રહી છે. વાશીમમાં હોસ્ટેલના ૨૨૯ વિદ્યાર્થીઓ અને ૩ સ્ટાફના સભ્યો એકસાથે કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. કુલ ૩૨૭ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. દેશમાં કોરોનાના પ્રકોપની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬,૭૩૮ દર્દીઓ મળી આવ્યા છે.

મહારાષ્ટ્ર માં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ વાશીમમાં એક હોસ્ટેલમાં કોરોનાથી ૨૨૯ વિદ્યાર્થીઓ અને સ્ટાફના ૩ સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે કુલ ૩૨૭ વિદ્યાર્થીઓ  કોરોના પોઝિટિવ થયા છે. વિદ્યાર્થીઓ અમરાવતી, હિંગોલી, નાંદેડ, વાશીમ, બુલધાણા, અકોલાના છે. કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતીથી જ થઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર પ્રચંડ બની રહી છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૮૦૭ નવા દર્દીઓ નોંધાયા છે. આ ૧૮ ઓકટોબર બાદ સૌથી વધુ આંકડો  છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૦ દર્દીઓના મોત થયા. જે છેલ્લા ૫૬ દિવસમાં સૌથી વધુ છે. આ અગાઉ ૩૦ ડિસેમ્બરે ૯૦ કોરોના દર્દીઓએ દમ તોડ્યો હતો. મહારાષ્ટ્રમાં કોરોના વિદર્ભના શહેરો અને મુંબઈમાં પણ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં ૧૧૯ દિવસ બાદ હજાર કેસનો આંકડો પાર કર્યો. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૧૬૭ કેસ નોંધાયા.

સમગ્ર દેશની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬,૭૩૮ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૧૦,૪૬,૯૧૪ પર પહોંચી ગયો છે. જયારે ૧,૫૧,૭૦૮ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં ૧૩૮ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કુલ મૃત્યુ આંકડો ૧,૫૬,૭૦૫ પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧,૨૬,૭૧,૧૬૩ લોકોને રસી અપાઈ ચૂકી છે.

ચીફ સેક્રેટરીએ ૩ ઉપાય સૂચવ્યા

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રકોપના કારણે પોલીસકર્મીઓ માટે પણ વર્ક ફ્રોમ હોમ શરૂ કરાયું છે. મંત્રાલયોમાં પણ હવે ભીડ ઓછી કરવાની કોશિશ થઈ રહી છે. આ માટે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીએ તમામ વિભાગોને પત્ર લખ્યો છે અને કર્મચારીઓની હાજરી અંગે સૂચન આપ્યા છે.

આ ૩ સૂચનો સૂચવ્યા...

૧. ૫૦ ટકા કર્મચારીઓને એક દિવસ બોલાવવામાં આવે અને પછી એક દિવસ રજા આપી દેવામાં આવે. જયારે બાકીના ૫૦ ટકા કર્મચારીઓને બીજા દિવસે બોલાવવામાં આવે.

૨. ૫૦ ટકા કર્મચારીઓને અઠવાડિયામાં ૩ દિવસ બોલાવવામાં આવે અને બાકીના ૫૦ ટકાને આગામી ૩ દિવસ બોલાવવામાં આવે.

૩. ૫૦ ટકા કર્મચારીઓને એક અઠવાડિયું બોલાવવામાં આવે જયારે ૫૦ ટકા કર્મચારીઓને રજા આપી દેવાય અને તેમને બીજા અઠવાડિયે કામ પર બોલાવવામાં આવે.

ચીફ સેક્રેટરીના સૂચન પર અમલ કરીને મંત્રાલયોમાં ભીડ ઓછી કરી શકાય છે. આ અંગે સંબંધિત વિભાગના સચિવ નિર્ણય લેશે. નિયમ એવા બનાવવામાં આવે જેથી કરીને કામ પર અસર ન પડે. અત્રે જણાવવાનું કે કોરોનાના વધતા વ્યાપ વચ્ચે ગત અઠવાડિયે મહેસૂલ વિભાગ, શિક્ષણ વિભાગ, સહિત અનેક વિભાગોના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની વાત સામે આવી હતી.

(3:58 pm IST)