મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

૧૦૦ સંપત્તિ વેચવાની તૈયારીમાં સરકાર

એર ઇન્ડિયા-BPCLનો સોદો ઓગસ્ટ સુધી થવાની સંભાવના

'બિઝનેસ કરવો એક સરકારનું કામ નથીઃ સરકારનું ધ્યાન જન કલ્યાણ પર હોવું જોઈએઃ સરકાર પાસે અનેક એવી સંપત્તિ છે જેનો પૂર્ણ ઉપયોગ નથી થયો અથવા બેકાર પડી છેઃમોદી

નવી દિલ્હી, તા.૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બુધવારે વેબિનારના માધ્યમથી લોકો સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર બહુ ઝડપથી બંધ પડેલી ૧૦૦ સરકારી સપત્તિને વેચીને ૨.૫ લાખ કરોડ રૂપિયા એકઠા કરવા પર કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટથી ૧.૭૫ લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની સરકારની યોજના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર જુલાઇ-ઓગસ્ટ સુધી એર ઇન્ડિયા અને બીપીસીએલ અંગે ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પૂરી કરવાની તૈયારી કરી રહી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, 'બિઝનેસ કરવો એક સરકારનું કામ નથી. સરકારનું ધ્યાન જન કલ્યાણ પર હોવું જોઈએ. સરકાર પાસે અનેક એવી સંપત્તિ છે જેનો પૂર્ણ ઉપયોગ નથી થયો અથવા બેકાર પડી છે. આવી ૧૦૦ જેટલી સંપત્તિને બજારમાં મૂકીને ૨.૫ લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યુ કે, સરકાર મુદ્રીકરણ (monatization) અને આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે. ખાનગી ક્ષેત્રથી દક્ષતા આવે છે અને રોજગારી મળે છે. ખાનગીકરણ અને સંપત્તિના મોનિટાઇઝેશનથી જે પૈસા આવશે તે લોકો પર ખર્ચ કરવામાં આવશે.

પીએમ મોદીએ જાહેર ક્ષેત્રની કંપનીઓ પર યોજાયેલા વેબીનારમાં કહ્યુ કે, બજેટ ૨૦૨૧-૨૨માં ભારતને ઊંચી વૃદ્ઘિના રસ્તે લઈ જવા માટે અનેક યોજના ઘડવામાં આવી છે. તેમણે કહ્યુ કે, અને જાહેર ક્ષેત્રો નુકસાન કરી રહ્યા છે, અનેકની લોન આપીને મદદ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, 'સરકારી કંપનીઓને ફકત એવું માનીને ન ચલાવી શકાય કે તે વારસામાં મળી છે.' તેઓએ જણાવ્યુ કે, જાહેર ક્ષેત્રની બીમાર કંપનીઓને નાણાકીય મદદ કરવાથી અર્થતંત્ર પર બોઝ પડે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીને પગલે સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પ્રભાવિત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર એર ઇન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની બોલી લગાવનારને બે મહિનામાં બોલી જમા કરવાનું કહી શકે છે. સરકાર જુલાઇ-ઓગસ્ટ સુધી ડિસઇન્વેસ્ટમેન્ટ કામ પૂર્ણ કરવાની તૈયાર કરી રહી છે.

(11:27 am IST)