મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

શુક્રના અસ્ત સાથે જ લગ્ન સરા પર હવે બ્રેક

ફેબ્રુઆરી માસમાં યોજાયેલા લગ્ન પ્રસંગોની ઝાકમઝોળ હવે પછી એપ્રિલમાં દેખાશે : ૧૬ એપ્રિલ સુધી શુક્રનો અસ્ત, મીનારક અને હોળાષ્ટકમાં લગ્નવિધિ વર્જિત

મુંબઇ,તા. ૨૫: કોરોના મહામારી વચ્ચે ગત લગ્નસરામાં અનેક આયોજનો ખોરવાઇ ગયાં હતા. ગત માર્ચથી જૂન માસ સુધીમાં થયેલા આયોજન અંતિમ ઘડીએ રદ કરવાની નોબત આવી હતી. ત્યારબાદ નવેમ્બર માસમાં પણ લગ્નસરાની સિઝનને ઝાંખપ લાગી ગઇ હતી. જયારે હાલમાં ફેબ્રુઆરી માસમાં કોરોના સંદર્ભેના નિયંત્રણો હળવા થતાં ઠેરઠેર લગ્ન આયોજનોની ઝાકમઝોળ દેખાઇ હતી.

જોકે, હવે શુક્રનો અસ્ત, મીનારક અને હોળાષ્ટક સહિતના યોગને પગલે લગ્નસરાની સિઝન પર અલ્પવિરામ મૂકાઇ ગયું છે. હવે વિવિધ સંયોગો વચ્ચે લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત હોય છેક એપ્રિલમાં ફરીવાર લગ્નસરાની રોનક દેખાશે.

નોંધનીય છે કે, દેવઉઠી એકાદશી સાથે શરૂ થયેલી લગ્નની નવી સિઝન આડે ઓછા મુહૂર્ત અને કોરોનાનું ગ્રહણ નડી ગયું છે. નવેમ્બર, ડિસેમ્બર, ફેબ્રુઆરી માસમાં ઓછા મુહૂર્ત બાદ હવે મીનારક, શુક્રનો અસ્ત અને હોળાષ્ટક જેવા સંયોગ નડી ગયા છે.

જેને કારણ હવે છેક એપ્રિલ માસ સુધી લગ્નના મુહૂર્ત ન હોવાનો મત જયોતિષીઓ આપી રહ્યા છે. શાસ્ત્રી ડો. કર્દમ દવેના જણાવ્યા મુજબ, શુક્ર અને ગુરૂનો અસ્ત હોય ત્યારે સામાન્ય પણે લગ્ન લેવાતા નથી. આ સિવાય સુર્યદેવનનું ધન અને મીન રાશીમાં ભ્રમણ હોય ત્યારે પણ લગ્ન કાર્યો વર્જિત માનવામાં આવે છે. હોળાષ્ટક પણ આ જ અશુભ યોગમાં સામેલ છે. હાલમાં ૨૧ ફેબ્રુઆરીએ શુક્રનો અસ્ત થયો છે. આ સ્થિતિ ૧૬ એપ્રિલ સુધી રહેશે.

જ્યારે ૧૪ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી સુર્યદેવનું મીન રાશીમાં ભ્રમણ હોય મીનારક એટલે કે કમુરતા રહેશે. દરમિયાન ૨૧ માર્ચથી ૨૮ માર્ચ સુધી હોળાષ્ટક પણ આવી રહ્યા છે. આ વિપરીત સ્થિતીઓ વચ્ચે ૨૩ એપ્રિલ પછી લગ્રની સિઝન પુનઃ શરૂ થશે. ૨૩ એપ્રિલથી ૧૩ જુલાઇ સુધી લગ્ન મુહૂર્ત બાદ ચાતુર્માસને લઇને લગ્નસરા પર પૂર્ણવિરામ મૂકાઇ થશે.

લગ્નની નવી સિઝનમાં મુહૂર્તની સ્થિત પર એક નજર

આ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર -૨૦૨૦માં માત્ર પાંચ જ લગ્નમુહૂર્ત બાદ ફેબ્રુઆરી માસમાં લગ્નની ઝાકમઝોળ દેખાઇ હતી. જ્યારે હવે દોઢ મહિનાના વિરામ પછી એપ્રિલ માસમાં ૬, મે માસમાં ૧૧, જૂન માસમાં ૧૧ અને જુલાઇમાં ૪ મુહૂર્ત છે. એપ્રિલમાં ૨૪, ૨૫,૨૬, ૨૮,૨૯,૩૦ તારીખે, મે માસમાં ૧,૪,૮,૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦,૩૧ મી તારીખે જૂન માસમાં ૩,૪,૬,૧૫,૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૬, ૨૮મી તારીખે અને જુલાઇ માસમાં ૧,૨,૩, ૧૩ તારીખે લગ્નમુહૂર્ત છે. ત્યારબાદ દેવશયની એકાદશી શરૂ થવાની સાથે લગ્નસરાની સિઝન પર પૂર્ણવિરામ મુકાઇ જશે.

(10:18 am IST)