મુખ્ય સમાચાર
News of Monday, 24th February 2020

ઓડીસામાં હાથીએ મચાવ્યો હાહાકાર: પુરીમાં હાથીએ હુમલો કરતા ચાર લોકોના મોત: ત્રણ ગંભીર : આખું શહેર કર્યું સીલ

પીપળી વિસ્તારના લોકોને ઘરમાં જ રહેવા સૂચના :તંત્રએ શહેરને સીલ કર્યું

ઓડિસામાં હાથીએ હાહાકાર સર્જ્યો છે પુરી જિલ્લામાં હાથીના હુમલામાં ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. બીજી તરફ પીપિલી શહેરને સીલ કરાયું છે. લોકોને ઘરમાં રહેવા માટે સૂચના અપાઇ છે.

પીપિલી વિસ્તારમાં જંગલના એક હાથીએ નગર વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો જેથી લોકો હાથીને જોવા માટે દોડી આવ્યા હતા. હાથી લોકોની ભીડ જોઇને ભડક્યો હતો અને લોકો પર હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા છે. અગાઉ પણ હાથીએ એક મહિલા પર હુમલો કર્યો હતો. જેને લઇ સ્થાનિકોમાં ભય ફેલાયો છે

બીજી તરફ હાથીના હુમલાના પગલે તાત્કાલિક કાર્યવાહી કરી વહીવટીતંત્રે પીપિલી શહેરને સીલ કરી દીધું છે. વીજળી વિભાગ દ્વારા આ વિસ્તારમાં વીજ કરંટનો આશરો લેવામાં આવ્યો છે. લોકોનો હાથી સાથે મુકાબલો ન થાય તે માટે ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઓડિસાના પ્રમુખ વન સંરક્ષક એચ. એસ. ઉપાધ્યાયે દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, પુરી જિલ્લામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે અન્ય ઇજાગ્રસ્ત થયા છે. ખોરધા જિલ્લામાં પણ બે લોકોના જીવ ગયા છે. હાથી ચંદકા વન્યજીવ અભ્યારણથી આવ્યો અને પુરી જિલ્લાના ડેલાંગ વિસ્તાર તરફ વળ્યો.

 

(12:21 am IST)