મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

હિન્દુ-મુસ્લિમ-શિખ તીર્થયાત્રીઓને હવાઇ માર્ગે અવરજવર કરવાની છુટ આપી દયો

પાકિસ્તાન હિન્દુ કાઉન્સીલની મોદી સરકારને અપીલ

નવી દિલ્હી, તા.૨૫: ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારની સાથે સાથે યાત્રા અંગે હજુ પણ ગતિરોધ ખતમ નથી થયો પણ પાકિસ્તાન હિંદુ કાઉન્સીલે પાકિસ્તાન સરકાર દ્વારા ભારતને એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના પહેલા પાનાના મુખ્ય સમાચાર અનુસાર, પાકિસ્તાન હિંદુ કાઉન્સલે હિંદુ, મુસલમાન અને શીખ યાત્રાળુઓને હવાઇ સેવા દ્વારા આવવા દેવાનો પ્રસ્તાવ મુકયો છે.

અખબારના રિપોર્ટમાં સુત્રોના હવાલાથી જણાવાયું છે કે દિલ્હી ખાતેના પાકિસ્તાની ઉચ્ચાયોગે પાકિસ્તાન હિંદુ કાઉન્સીલના પ્રમુખ રમેશ વાલ્મીકિના આ પ્રસ્તાવને ભારતના વિદેશ મંત્રાલયને મોકલી આપ્યો છે.

રમેશ વંકવાણીએ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ના ચાર્ટડ પ્લેનથી કરાંચી અને લાહોરના તીર્થયાત્રીઓને ભારતમાં આવવા દેવાની પરવાનગી માંગી છે.

અખબારના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન હિંદુ કાઉન્સીલનો આ પ્રસ્તાવ સોમવારે મળ્યો છે અને હજુ તેને ઘણાં સ્તરો પરથી મંજૂરી મળવાની બાકી છે. ભારતીય વિદેશ મંત્રાલયનું આ પ્રસ્તાવ પર કેવું વલણ રહેશે તે બાબતે કંઇ કહેવામાં નથી આવ્યું. ડાયરેકટર જનરલ ઓફ સીવીલ એવીએશન (ડીજીસીએ)ના એક સીનીયર અધિકારીએ અખબારને કહ્યું છે કે તેમને એરલાઇન તરફથી હજુ સુધી કોઇ પ્રસ્તાવ નથી મળ્યો.

(2:46 pm IST)