મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

શેરબજારમાં સતત ધોવાણ રોકાણકારોએ છેલ્લા 5 દિવસમાં 19 લાખ કરોડ ગુમાવ્યા

છેલ્લા 5 સેશનમાં BSE સેન્સેક્સ લગભગ 3,820 પોઈન્ટ્સ તૂટ્યો

મુંબઈ : શેરબજારમાં સતત ગિરાવટ જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા દિવસે જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો હતો. આ સ્તરેથી વધુ ઘટાડો થશે કે રિકવરી શરૂ થશે આવા પ્રશ્નોના જવાબો રોકાણકારો શોધી રહ્યા છે. છેલ્લા 5 સેશનમાં BSE સેન્સેક્સ લગભગ 3,820 પોઈન્ટ્સ તૂટ્યો છે. રોકાણકારોએ આ 5 દિવસમાં 19.33 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. માત્ર સોમવારે જ રોકાણકારોને રૂ. 9.15 લાખ કરોડનો આંચકો લાગ્યો છે.  એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. યુએસ ટેક શેરોમાં ભારે વેચવાલી બાદ ટેક શેરોએ પણ ભારતીય બજારમાં ધબડકો લીધો હતો. BSE લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય ઘટીને રૂ. 260.50 લાખ કરોડ થયું છે.

સોમવારે શેરબજારમાં 3,000થી વધુ શેર ગબડ્યા હતા. તેમજ 800થી વધુ કંપનીઓના શેર નીચલી સર્કિટમાં અથડાયા હતા.  ટાઈમ્સના  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સોમવારે બજારના ડેટા પર નજર કરીએ તો દર 6માંથી 5 શેરોમાં ઘટાડો થયો છે. તેમજ દરેક 4માંથી એક શેરમાં નીચલી સર્કિટ હતી. વિશ્લેષકોનું કહેવું છે કે રશિયા-યુક્રેન બોર્ડર પર વધતા તણાવ, અગાઉના નાણાંકીય કડક થવાની શક્યતા અને ફુગાવાને કારણે બજારમાં દબાણ આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે આ ઘટાડા પાછળ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)નો મોટો હાથ છે. FPI સતત બજારમાંથી નાણાં ઉપાડી રહ્યાં છે. નિષ્ણાતોના મતે, બજારમાં નબળાઈ હાલ ચાલુ રહી શકે છે, કારણ કે રિયલ એસ્ટેટ, નિફ્ટી સ્મોલકેપ, મિડકેપ જેવા સૂચકાંકોમાં બ્રેકડાઉન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

(12:00 am IST)