મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

માઉન્ટ આબુમાં માઈનસ ૧થી ૨ ડીગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડીનો ચમકારો : આગામી ૨૭ તારીખ સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ

ગાંધીનગર, તા. ૨૫ :માઉન્ટ આબુમાં ફરી એકવાર ઠંડીનો કડાકો અનુભવાયો છે, અહીં તાપમાન -૧થી ૨ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓને એક નવો અનુભવ થયો છે. જ્યારે વાહનો પર ઠંડીના કારણે બરફ જામી ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઠંડીથી બચવા માટે અહીં તાપણા અને હિટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધતા પોલો ગ્રાઉન્ડમાં ઉભેલી કાર પર બરફ જામેલો જોવા મળ્યો છે. આ સાથે ઘરની બહાર મૂકેલા પાણીમાં પણ બરફ જામેલો જોવા મળ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે અહીં મુસાફરો મોટી સંખ્યામાં ફરવા માટે પહોંચતા હોય છે. તો આ કડકડતી ઠંડીમાં માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને એક નવો અનુભવ થઈ રહ્યો છે, બરફ જામ્યો હોવાની વાત જાણીને લોકો સવારમાં હોટલમાંથી બહાર નીકળી પડ્યા હતા.

અહીં સામાન્ય દિવસો કરતા વિકએન્ડમાં વધારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ કોરોનાના કારણે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ ઘટાડો નોંધાયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, લોકડાઉન ખુલ્યા બાદ ઘરોમાં બંધ રહેલા લોકો હવા ફેર કરવા માટે અહીં પહોંચી રહ્યા છે. ઉત્તર ભારતના રાજ્યો અને રાજસ્થાનમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે તેની સાથે ગુજરાતમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. આ સાથે રાજ્યના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૦ની નીચે પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

ગઈકાલ રાતથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે જેમાંઠંડીની સાથે પવન ફુંકાઈ રહ્યો હોવાથી વધારે અસર વર્તાઈ રહ્યાછે.

નલિયામાં આજે ૪.૧, કંડલામાં ૭.૬, કેશોદમાં ૮.૮, ડિસામાં ૯, મહુવામાં ૯.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી ૨૭ તારીખ સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

(7:48 pm IST)