મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

ઈલેક્ટ્રોનિક ઈલેક્ટ્રોલ ફોટો આઈડી કાર્ડની સુવિધા શરૂ

વોટર કાર્ડની હાર્ડ કોપી ન હોય તો ચિંતાની જરૂર નથી : પ્રારંભે નવા મતદારો માટે સુવિધા : ફેબ્રુઆરીથી વોટર્સ પોતાના આઈડીની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે

નવી દિલ્હી, તા. ૨૫ : જો તમારી પાસે ચૂંટણી કાર્ડની હાર્ડ કોપી નથી તો ચિંતા કરવાની જરુર નથી. આજથી તમે તેની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકશો. આ સુવિધા એવી જ હશે જેવી આધાર કાર્ડ પર મળે છે. જે રીતે તમે ઉડઈની વેબસાઈટ પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો, તે જ રીતે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશો. ૨૫ જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાન દિવસના દિવસે દેશભરમાં ઈલેક્ટ્રોનિક ઈલેક્ટ્રોલ ફોટો આઈડી કાર્ડની સુવિધા શરુ કરવામાં આવી છે. આવો જાણીએ કઈ રીતે તમે વોટર આઈડ ડાઉનલોડ કરી શકો છો.

ચૂંટણી પંચે બે તબક્કામાં આ સુવિધા લોન્ચ કરી છે. પહેલા તબક્કામાં એટલે કે ૨૫ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી વચ્ચે, માત્ર નવા વોટર્સ કે જેમણે વોટર આઈડી કાર્ડ્સ માટે અરજી કરી છે અને જેમનો મોબાઈલ નંબર ચૂંટણીપંચ પાસે રજિસ્ટર્ડ છે, તેઓ ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશે.

ફેબ્રુઆરીથી તમામ વોટર્સ પોતાના આઈડીની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે. શરત એટલી છે કે તેમનો મોબાઈલ નંબર ચૂંટણીપંચ સાથી લિંક હોવો જોઈએ. જેમનો મોબાઈલ નંબર કમિશન સાથે લિંક નથી, તેમણે ઈસીને પોતાની ડિટેલ્સ રી-વેરિફાઈ કરવાની રહેશે અને મોબાઈલ નંબર લિંક કરવો પડશે. ત્યારે જ તેઓ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશે. ડિજિટલ વોટર આઈડી કાર્ડ્સ પણ આધારની જેમ પીડીએફ ફોર્મેટમાં હશે. જેને ડીજીલોકર પર પણ સ્ટોર કરી શકશો. ડિજિટલ વોટર આઈડી કાર્ડ્સ પર એક સિક્ટોરિટી ક્યૂઆર કોડ હશે જેમાં તસવીરો અને ડેમોગ્રાફિક્સ હશે જેથી તેની નકલ ના થઈ શકે. જો તમારું અકાઉન્ટ ના હોય તો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી દ્વારા તમારું અકાઉન્ટ બનાવી શકો છો. જેના માટે નીચે પ્રમાણેના સ્ટેપ કરવા પડશે. એકવાર અકાઉન્ટ બની જાય પછી લોગઈન કરીને ડીટેલ્સ એન્ટ કરીને લોગઈન કરો. તમને ઈ-એપિક ડાઉનલોડનું ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરવાથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ થઈ શકશે.

(7:40 pm IST)