મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

કન્યા હઠ

બાર વર્ષની એક કન્યાએ પોતાની મા પાસે માંગણી કરી -

'મા, મારે નણંદ જોઇએ છે'

માને નવાઇ તો લાગી, પણ વળી વિચાર્યું બાલિકા છે. પડોશમાં કોઇને ઘેર કોઇની નણંદ જોઇને તેને નણંદ મેળવવાની ઇચ્છા થઇ હશે. આવી બાલસહજ માંગણીનો ઉતર પણ શો આપવો ? માં મૌન જ રહી. મા એ વિચાર્યુ કે, કાંઇ ઉત્તર નહિ આપું એટલે બાલિકા આપ-મેળે શાંત થઇ જશે.

માની ધારણા કરતાં જુદું જ બન્યું. તે બાલિકાએ તો જાણે હઠ જ પકડી, વેન જ લીધુ.

મા મારે નણંદ જોઇએ જ છે. તું મને નણંદ આપને આપ !

મા સમજાવે છે -

'બેટા ! મારી દિકરી એવું ખોટુ વેન ન કરાય'

બાલિકા તો વેને ચડી છે. તેણે તો પોતાનું વેન ચાલું જ રાખ્યું.

'પણ બધી સ્ત્રીઓને નણંદ હોય છે, તો મારે કેમ નહિ? મારે તો નણંદ જોઇએ છે, આજે જ અને અત્યારે જ !'

મા પુત્રીને સમજાવે છે

'બેટા! એમ નણંદ ન મળે, નણંદ તો લગ્ન કરીએ તો જ મળે !'

'પણ, એવું શા માટે ? મારે લગ્ન તો કરવા જ નથી અને તોયે મારે નણંદ તો જોઇએ જ છે મા ! મને લગ્ન કરવાનું તો ગમે જ નહિ.' 'નહિ મા! હું લગ્ન તો કરીશ જ નહિ, કોઇ કાળે નહિ અને છતાં મારે નણંદ તો જોઇએ જ છે !'

હવે માને લાગ્યું કે, દિકરીને નણંદના અર્થની ખબર નથી અને નણંદની પ્રાપ્તિની રીતની પણ ખબર નથી. માએ પોતાની વહાલી પુત્રીને સમજાવવા માંડી -

'દિકરી ! આપણે લગ્ન કરીએ એટલે પતિ મળે અને પતિની જે બહેન હોય તે આપોઆપ આપણી નણંદ બની જાય છે. જેથી લગ્ન કર્યા વિના નણંદ મળી શકે જ નહિ.'

પણ પુત્રીની સમજમાં આ વાત આવી જ નહિ, તેને ગળે માની વાત ઉતરી જ નહિ. તેણે તો બસ વેન ચાલુ જ રાખ્યું.

'મા, મારે નણંદ જોઇએ જ છે મારે લગ્ન તો કોઇ કાળે કરવા નથી, પણ મારે નણંદ તો જોઇએ જ છે. અરે ! નણંદ જ શા માટે મારે તો સાસુ જોઇએ, સસરા જોઇએ, દિયર અને દેરાણી જોઇએ, જેઠ અને જેઠાણી જોઇએ અને તે સૌથી શિરમોર અને સૌથી પહેલાં નણંદ તો જોઇએ. જોઇએ અને જોઇએ જ ! અને મા, એક વાત પાકી સમજી લે કે મારે લગ્ન તો કોઇ કાળે કરવા જ નથી.'

હવે કહો તે કન્યાની ઇચ્છા કેવી રીતે પુરી કરવી ? તેને લગ્ન તો કરવા જ નથી, કોઇ કાળે કરવા નથી, અને તોયે તેને નણંદ, સાસુ, દિયર, સસરા, દેરાણી, જેઠ, જેઠાણી આ સર્વે સગાવહાલા જોઇએ જ છે. હવે લગ્ન કર્યા વિના આ બધા સબંધીઓ મળે કેવી રીતે ?

હવે ઉપાય શો?

આ કથા એક અણસમજુ કન્યાની કથા નથી. આ તો મારી તમારી આપણા સૌની કથા છે.

આપણે બધું જ જોઇએ છે આપણી જ્ઞાતિ જોઇએ, આનંદ જોઇએ, પ્રેમ જોઇએ, શાશ્વત જીવન, શકિત જોઇએ, આંતરસમૃધ્ધિ જોઇએ. આ અને આવા અનેક તત્વો આપણે પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ, પણ આપણે આ સર્વના કેન્દ્ર સમાન તત્વ આત્મતત્વની ખેવના કરતા નથી.

આપણે સ્પષ્ટ સમજી લેવું જોઇએ કે પતિની પ્રાપ્તિ વિના નણંદની પ્રાપ્તી થઇ શકે નહિ. એટલુ જ નહિ પણ પતિની પ્રાપ્તિ વિના સાસુ, સસરા, દિયર, દેરાણી, જેઠ, જેઠાણી આમાંથી કોોઇ સંબંધી મળી શકે નહિ. કન્યા લગ્ન કરે અને પતિને પામે એટલે પતિની બહેન કન્યાને નણંદરૂપે આપોઆપ પ્રાપ્ત થાય છે તે જ રીતે સાસુ સસરા આદિ અન્ય સંબંધીઓ પણ આપોઆપ મળે છે તે માટે કન્યાએ અન્ય કોઇ પ્રયત્ન કે વિધિ કરવી પડતી નથી.

તેમ આત્માની પ્રાપ્તિ થાય એટલે શાંતિ, આનંદ, પ્રેમ, શકિત, શાશ્વતજીવન, આંતરસમૃધ્ધિ આદિ તત્વોની પ્રાપ્તિ આપોઆપ થઇ જાય છે તે માટે અલગ રીતે કોઇ પ્રયત્ન કે વિધિની જરૂર નથી જેમ પુષ્પની પ્રાપ્તિ થાય એટલે પુષ્પની સુગંધની પ્રાપ્તિ આપોઆપ થઇ જાય છે તે માટે કોઇ અલગ પ્રયત્નની જરૂર નથી.

આત્મા આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે. શાંતિ, આનંદ, પ્રેમ, શકિત આદિ તત્વો તો આત્માના સ્વરૂપગત ગુણધર્મો છે. આત્માની સાથે તે સર્વે તો છે જ. આત્મપ્રાપ્તિની ઘટના ઘટે એટલે જીવનમાં શાંતિ, આનંદ, પ્રેમ, શકિત આદિ તત્વોનું પ્રાગટય આપોઆપ થાય છે. ગાય આવે એટલે વાછરડું તો પાછળ પાછળ દોડતું દોડતું આવે જ !

સંસ્કૃતમાં એક ઉકિત છે-

સર્વે ગુણા : કાંચન ના શ્રયન્તે

'બધા ગુણો સુવર્ણમાં વસે છે'

વસ્તુતઃ આ તો કવિનો વિનોદ કે વ્યંગ છે. સાચુ તો આ છે-

સર્વે ગુણા : આત્માનમા શ્રયન્તે

'સર્વે ગુણો આત્મામાં પ્રતિષ્ઠિત છે.'

માનવી શું શોધે છે? આપણે આપણી વૃતિ અને પ્રવૃતિ દ્વારા વસ્તુતઃ શું શોધીએ છીએ? આપણે શાંતિ, આનંદ, પ્રેમ, શકિત, અમરત્વ, આંતરસમૃધ્ધિ આ સર્વે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાનું કોઇ તત્વ વિશુધ્ધ સ્વરૂપે અને કાયમી ધોરણે ત્યારે અને તો જ મળી શકે જયારે આપણે આપણા આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇએ.

આત્માની અવગણના કરીને બધું જ મળે તો પણ કશું જ મળતુ નથી. કશું જ ન મળે અને આત્માના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તો બધુ જ મળ્યુ છે તેમ સમજવું જોઇએ.

આપણે જે તત્વો પામવા ઇચ્છીએ છીએ તે પ્રેમ, આનંદ, શાંતિ આદિ સર્વ તત્વો આત્મામાંથી આપોઆપ નિષ્પન્ન થાય છે. કારણ કે આ સર્વે તત્વો આત્માના સ્વરૂપગત ગુણધર્મો છે. જે સુગંધ પુષ્પનો સ્વરૂપગત ગુણધર્મ છે તેમ !

માનવી સુખ પ્રાપ્તિ અને દુઃખમુકિત ઇચ્છે છે પરંતુ આત્માને જાણ્યા વિના આત્યંતિક સ્વરૂપુ દુઃખમુકિત શકય જ નથી.

ઉપનિષદના ઋષિ આ જ સત્યને અભિવ્યકત કરે છે.

યદા વર્મવદાકાશં વેષ્ટયિષ્યન્તિ માનવા :

તદા દેવમવિજ્ઞાય દુઃખસ્વાન્તો ભવિષ્યન્તિ

શ્વેતાશ્વતરોપનિષદ

'જયારે મનુષ્યો આકાશને ચામડાની જેમ લપેટી શકશે ત્યારે પરમદેવ (આત્મદેવ કે પરમાત્મદેવ) ને પામ્યા વિના પણ દુઃખનો અંત આવી શકશે.'

આ સત્ય નાનું બાળક પણ સમજી શકે તેવું સહજ અને સરળ છે. આમ છતા આપણે સમજયું ન સમજયું કરીએ છીએ.આપણે જે જયા છે, ત્યાં શોધવાને બદલે અન્યત્ર શોધીએ છીએ, તો પછી તે મળે કેવી રીતે ? પતિને અવગણીને નણંદ આદિ સબંધીઓ મળી શકે નહિ, તેમ આત્માને અવગણીને શાંતિ, પ્રેમ આદિ તત્વો અર્થાત જીવનની પરમ કૃતાર્થતા પ્રાપ્ત થઇ શકે નહિ.

તરણા ઓથે ડુંગર, ડુંગર કોઇ દેએ નહિ રે....

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(11:56 am IST)