મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેલ પર્યટનની શરૂઆત

પુણેની યરવાડા સેન્ટ્રલ જેલની મુલાકાત લઇ શકશે પ્રવાસીઓ

પુણે, તા.૨૫: ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજયમાં જેલ પર્યટન શરૂ કરવાની જાહેરાત કરી છે. પુણેની યરવાડા સેન્ટ્રલ જેલ રાજયની આવી પહેલી જેલ હશે જયાં પ્રવાસીઓ જેલની મુલાકાત લઈ શકશે. બીજા તબક્કામાં તેને નાગપુર સેન્ટ્રલ જેલમાં શરૂ કરવામાં આવશે. નાગપુરમાં ગૃહપ્રધાને કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર ૨૬ જાન્યુઆરીએ પુણેની યરવાડા જેલમાં જેલ પ્રવાસન સુવિધાનું ઉદઘાટન કરશે.

આ માટે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ૫ રૂપિયા, કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ૧૦ રૂપિયા અને સામાન્ય પ્રવાસીઓ પાસેથી ૫૦ રૂપિયા ફી લેવામાં આવશે. દેશમુખે જણાવ્યું કે, ૫૦૦ એકરમાં ફેલાયેલી આ જેલનો અમુક ભાગ સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓ, સંશોધનકારો અને અન્યને જેલ પ્રણાલી વિશે શીખવાની અને સમજવાની તક મળશે. જેલ પ્રશાસન દ્વારા એક ગાઇડ પણ આપવામાં આવશે. જેલ પર્યટન માટે એક વખતમાં ૫૦ લોકોને અનુમતિ આપવામાં આવશે. જેના માટે સાત દિવસ પહેલાં ઓનલાઇન અથવા યરવડા જેલમાં કાઉન્ટર પરથી ટિકિટ બુક કરવાની રહેશે.

આ જેલમાં ફરતી વખતે મોબાઇલ ફોન, કેમેરા વગેરે લઇ જવાની મનાઇ રહેશે. જોકે, જેલ દ્વારા નિયુકત ફોટોગ્રાફર દ્વારા પ્રવાસીઓ તેમના ફોટોગ્રાફ્સ મેળવી શકે છે. આ માટે, તેમને વધારાના ચાર્જ ચૂકવવા પડશે. યરવડા જેલ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ છે. બ્રિટિશ શાસન દરમિયાન જેલમાં મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિતના કેટલાય સ્વાતંત્રીય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. ૨૬/૧૧ આતંકી હુમલાનો દોષી અજમલ આમિર કસાબને આ જેલમાં હાઇ સિકયુરિટી સેલમાં નાખવામાં આવ્યો હતો અને અહીં જ તેને ફાંસી પર ચઢાવવામાં આવ્યો હતો.

(11:53 am IST)