મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન

કુંભમાં આવનારા શ્રદ્ઘાળુઓએ લાવવો પડશે કોરોના નેગેટિવ રિપોર્ટ

નવી દિલ્હી, તા.૨૫: કેન્દ્ર સરકારે હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળા માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે કુંભમાં આવનારા શ્રદ્ઘાળુઓએ અનિવાર્ય રીતે પોતાની સાથે ૭૨ કલાક પહેલા જ કોવિડ-મુકત થવાનો તપાસ રિપોર્ટ લાવવો પડશે. કેન્દ્ર તરફથી રાજય સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ મેળામાં હેલ્થકેર વર્કર્સને જ ડ્યૂટી પર તૈનાત કરે, જેમને વેકસીન આપવામાં આવી ચૂકી છે. સાથોસાથ કુંભ મેળામાં ડ્યૂટી કરનારા સ્વાસ્થ્ય કર્મચારીઓને વેકસીન આપવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના હરિદ્વારમાં મહાકુંભ મેળાના આયોજનની સંભવિત તારીખ ૨૭ ફેબ્રુઆરીથી ૩૦ એપ્રિલ સુધીની છે. આ દરમિયાન મોટા સ્નાન પર્વો જેમ કે ૨૭ ફેબ્રુઆરીએ માદ્ય પૂર્ણિમા, ૧૧ માર્ચે મહાશિવરાત્રિ, ૨૧ એપ્રિલ રામનવમી પર મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવવાની સંભાવના છે.

આવો જાણીએ કુંભ મેળાને લઈ શ્રદ્ઘાળુઓ માટે શું છે સરકારની ગાઇડલાઇન

 મહાકુંભમાં આવનારા તમામ શ્રદ્ઘાળુઓને અનિવાર્ય રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કુંભમાં સ્નાન માટે આવી રહેલા તમામ શ્રદ્ઘાળુઓને કોરોના ટેસ્ટ કરાવવો પડશે. નેગેટિવ મેડિકલ સર્ટિફિકેટ લાવવું પણ જરૂરી હશે.

 ગાઇડલાઇનમાં ગર્ભવતી મહિલાઓ, ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોને મહાકુંભમાં નહીં આવવા માટે પ્રેરિત કરવાની વાત કહેવામાં આવી છે.

 કુંભ દરમિયાન ૬ ફુટનું સોશ્યિલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, સેનિટાઇઝેશન સહિત તમામ પ્રકારના કોવિડ પ્રોટોકોલનું પાલન અનિવાર્ય હશે.

કુંભ મેળા દરમિયાન કોઈ પ્રદર્શની, મેળા કે પ્રાર્થના સભાનું આયોજન નહીં થાય.  કુંભ મેળામાં કોઈ પણ સ્થળ પર થૂંકવું પ્રતિબંધિત હશે.

 કુંભ મેળામાં મેળા પ્રશાસને પર્યાપ્ત એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે અને ૧૦૦૦ બેડવાળી અસ્થાયી હોસ્પિટલ બનાવવી પડશે, જેને વિસ્તારિત કરી ૨૦૦૦ પથારી સુધી પહોંચાડી શકાય તેવી જોગવાઈ હોવી જોઈએ.

(11:51 am IST)