મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

નારાજી આવી રીતે વ્યકત કરાય ?

ટ્રાવેલ એજન્સીના માલિકે પગાર ન આપ્યોઃ ડ્રાઇવરે સળગાવી દીધી ૩ કરોડની ૫ બસો

મુંબઇ તા. ૨૫ : મુંબઈમાં એક ટ્રાવેલ એજન્સીના માલિકને પોતાની કંપનીમાં કામ કરતા ડ્રાઈવરનો પગાર રોકવો ભારે પડ્યો. આ ડ્રાઈવરે ટ્રાવેલ એજન્સીની પાંચ કરોડની ત્રણ બસોને આગ લગાવી દીધી હતી. જોકે, પોલીસે આ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. આ ડ્રાઈવરે બોરીવલી (વેસ્ટ)માં અલગ-અલગ રીતે પાંચ બસોને આગ લગાવી દીધી હતી. એક જ ટ્રાવેલ એજન્સીની બસોને ટાર્ગેટ બનાવવામાં આવતી હોવાથી પોલીસને આ કામ કોઈ અંદરના વ્યકિતનું હોવાની શંકા ગઈ હતી. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેની ઓળખ અજય સારસ્વત તરીકે થઈ છે. તેણે જે બસોને સળગાવી હતી તેની કુલ કિંમત ત્રણ કરોડ રૂપિયા જેટલી થાય છે.

૧૭ જાન્યુઆરીએ સવારે ૫.૩૦ વાગ્યાની આસપાસ એસ્કાય રિસોર્ટ ખાતે પાર્ક કરવામાં આવેલી આત્મારામ ટ્રાવેલ્સની ત્રણ બસોમાં આગ લાગી હતી. ફાઈટર બ્રિગેડે આગ બૂઝાવી દીધી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસે તપાસ શરૂ કરી હતી. એમએચબી કોલોની પોલીસના સિનિયર ઈન્સ્પેકટર પોપટ યેલેએ જણાવ્યું હતું કે, માર્ચ ૨૦૨૦મી દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ બસ ચાલી નથી તેથી તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તે વાતને લઈને અમને આશ્યર્ય થયું હતું.

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે આ ત્રણેય બસનો વીમો પૂરો થઈ ગયો હતો તેથી વીમો કલેમ કરવા માટે જાતે કરીને આગ લગાવવામાં આવી હોય તે શકયતા રહેતી નથી. ૨૨ જાન્યુઆરીએ આ જ ટ્રાવેલ એજન્સીની બીજી બે બસોમાં આગ લાગી હતી. આ વખતે પોલીસને કંઈક શંકાસ્પદ લાગ્યું હતું અને તેમે ટ્રાવેલ એજન્સીના સ્ટાફની પૂછપરછ શરૂ કરી દીધી હતી અને તેમને સારસ્વત પર શંકા ગઈ હતી. યેલેએ જણાવ્યું હતું કે, સારસ્વત બસ લઈને ગોવા ગયો હતો ત્યારે તેની બસને અકસ્માત થયો હતો. જેના કારણે તેના માલિક સાથે તેને ઝઘડો થયો હતો. તેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

તે જ દિવસે સારસ્વતની આઈપીસીની સેકશન ૪૩૫ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે પ્રત્યેક બસના પડદાને આગ લગાવી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. સારસ્વતે દાવો કર્યો હતો કે તેના માલિકે તેને પગાર આપ્યો નથી અને તેના પર હુમલો કરાવ્યો હતો. પોલીસ હાલમાં તેના દાવામાં કેટલું તથ્ય છે તેની તપાસ કરી રહી છે. બોરીવલીના ગોવિંદનગરમાં રહેતા સારસ્વતનો કોઈ ગુનાઈત ઈતિહાસ નથી.

(9:57 am IST)