મુખ્ય સમાચાર
News of Saturday, 25th January 2020

આવતા અઠવાડિયે સતત ત્રણ દિવસ બંધ રહેશે બેન્કો

બે દિવસ દેશવ્યાપી હડતાળ અને ત્રીજા દિવસે રવિવાર હોવાથી આર્થિક વ્યવહારોમાં સંકટ

નવી દિલ્હી, તા.૨૫: આગામી અઠવાડિયે બેન્કોમાં હડતાળ રહેતા બેન્કિંગ સેવાઓ મુદ્દે ગ્રાહકો આર્થિક વ્યવહારો કરવામાં મુશ્કેલીનો સામનો કરે એવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. આગામી ૩૧ જાન્યુઆરીથી શરુ થતી હડતાલ બે દિવસ માટે રહેશે, પરંતુ બીજી ફેબ્રુઆરીએ રવિવાર હોવાને કારણે બેન્ક સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે.

હડતાલ મામલે એસબીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે બધી જ શાખાઓમાં સામાન્ય કામકાજ ચાલુ રાખવાના સંભવ પ્રયત્ન કરવામાં આવ્યા છે,પરંતુ હડતાલને કારણે તેની પર આંશિક અસર પડશે.

ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓના સંગઠનોએ વેતનમાં સુધારાને લઇને વાતચીત નિષ્ફળ જતા ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળ બોલાવી છે. એસબીઆઇ મુજબ ઇન્ડિયન બેન્કસ એસોસિએશને જાણકારી આપી હતી કે યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન, જેમાં ૯ પ્રમુખ સંગઠનો જાડાયેલા છે, તેમણે ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓની હડતાળ બોલાવી છે.

૯ સંગઠનો હેઠળ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયઝ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશન, નેશનલ કન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોયિઝ, ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન, બેન્ક એમ્પ્લોયિઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોયિઝ ફેડરેશન, ઇન્ડિયન બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ, નેશન ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક વર્કર્સ અને નેશન ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક ઓફિસર્સ સંગઠન સામેલ છે.

(10:15 am IST)