મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

ખુંખાર આતંકી બગદાદીનો અનુગામી આઇએસનો મુખીયા અબુ અમેરિકાનો ખબરી

૨૦૦૮માં ધરપકડ દરમિયાન થયેલ પુછપરછના ડોકયુમેન્ટ દ્વારા થયો દાવો

વોશિંગ્ટન,તા. ૨૪: દુનિયાના સૌથી ખુંખાર આંતકવાદી સંગઠન આઇએસઆઇએસનો નવા મુખીયા અમેરિકાનો ખબરી હોવાનો એક ગુપ્ત દસ્તાવેજમાં દાવો કરાતા ખળભળાટ મચી ગયો છે. દુનિયાભરમાં આતંકનો પર્યાય બનેલ બગદાદીના માર્યા ગયા બાદ અબુ ઇબ્રાહીમને આઇએસનો મુખીયા જાહેર કરાયેલ. નવા દસ્તાવેજમાં થયેલ ખુલાસા મુજબ ઇબ્રાહીમ અમેરીકાને મદદ કરતો હતો.

દસ્તાવેજમાં એ વાત પણ જણાવાયું છે કે ઇબ્રાહીમે પોતાના ડઝનબંધ સાથીઓને પણ દગો કર્યો હતો.ઇરાકના અલ ફોરાત ન્યુઝ મુજબ ૨૦૦૮માં ઇબ્રાહીમે અમેરિકાને આતંકીયોની ખાનગી માહિતી આપેલ. ત્યારે અમેરિકી સેનાએ તેની ધરપકડ પણ કરી હતી. દરમિયાન તેની મુલાકાત અબુ બકર સાથે થયેલ. ઇબ્રાહીમની પુછપરછના લગભગ ૬૬ ડોકયુમેન્ટમાં નોંધવામાં આવ્યા છે. જેમાંથી ૩ માહિતી બહાર આવી છે.

આ દસ્તાવેજો મુજબ અબુ ઇબ્રાહીમે પુછપરછમાં પોતાના ૮૮ સાથીઓના નામ-સરનામા અમેરિકી સેનાને આપ્યા હતા. ઉપરાંત તેણે આઇએસના ગઠનથી લઇને પકડ સુધીની માહિતી આપેલ.  જેના આધારે જ અમેરિકાએ ૨૦૦૭-૦૮માં ઇરાકમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી હતી. હાલ ઇરાક-સીરીયામાં આઇએસ લગભગ ખતમ થઇ ચૂકયું છે. છતા હજી પણ તે સુરક્ષા દળો અને નાગરિકો ઉપર હુમલા કરે છે. બગદાદીના મોતના ખબર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ આપ્યા હતા.

(2:38 pm IST)