મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

સુપ્રીમ કોર્ટની લાલઆંખ પછી ગુજરાતમાં શું-શું બંધ થઇ શકે છે?

પાન-ચાના ગલ્લા બંધ કરવા અને સ્ટેટ બોર્ડર બંધ કરવા જેવા આક્રમક પગલા પણ લેવામાં આવે એવી પૂરી શકયતા છે

નવી દિલ્હી તા. ૨૪ : લોકડાઉન ખૂલ્યા પછી કોરોના-સંક્રમણ કેટલું ઝડપથી વધી રહ્યું છે અને એ કેટલું ઘાતક બની શકે છે એનો અંદાજ ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં ચાર રાજયોની ઝાટકણી કાઢી એના પરથી લગાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજયને તો પ્રશ્ન પણ પૂછ્યો કે વધી રહેલા કોરોના-સંક્રમણ વચ્ચે કેવી રીતે મેરેજ માટેની પરમિશન આપવામાં આવે છે?

સુપ્રીમ કોર્ટને ચાર સ્ટેટ દ્વારા જવાબ તો શુક્રવારે આપવામાં આવશે, પણ એ પહેલાં ગઈ કાલે જ આ ઝાટકણી પછી ગુજરાત સરકાર દ્વારા તાકીદના પગલારૂપે મીટિંગ કરવામાં આવી હતી, જેમાં કઈ-કઈ પરમિશન રદ કરી શકાય છે એ બાબતની વિચારણા થઈ હતી. જો સુપ્રીમ કોર્ટને જવાબ ગળે નહીં ઊતરે તો ગુજરાત સરકાર દ્વારા મેરેજની પરમિશન રદ કરી નાખવામાં આવે એવી પૂરી સંભાવના છે. ગઈ કાલે મોડી સાંજે ગુજરાત સરકારે લગ્ન સમારોહમાં ૧૦૦ મહેમાનોથી વધુને અલાઉ નહીં કરવાનો તથા સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી ઓછા ગેસ્ટને પરમિશન આપવાનો નિર્ણય તો લઈ જ લીધો હતો. આ નિર્ણયનો અમલ મંગળવાર (આજે) મધરાતથી કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ પણ રોકવામાં આવે      એવી પણ સંભાવના છે. ગુજરાત રાજય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલું છે. આ ત્રણેત્રણ સ્ટેટમાં અવરજવર બંધ કરવા ઉપરાંત ગુજરાતમાં ફરી એક વાર રેસ્ટોરાં, પાનના ગલ્લા અને ચાની હોટેલો પણ બંધ કરવામાં આવી શકે છે. આ એવી જગ્યા છે જયાં સૌથી વધારે લોકોની ભીડ રહે છે. ત્યાં રહેનારાઓ સુપરસ્પ્રેડરની ભૂમિકા ભજવે છે અને સંક્રમણ આગળ વધારે છે, જેને રોકવા માટે આ સ્ટેપ લેવામાં આવે એવી પૂરી શકયતા છે.

વધતું કોરોના-સંક્રમણ અને સુપ્રીમ કોર્ટની ઝાટકણી વચ્ચે વધુ એક વાર ગુજરાતમાં કરફયુ કે લોકડાઉન લાગુ કરવામાં આવે એવી શકયતા પણ નકારી શકાય નહીં, પણ એ આવે એ પહેલાં ફિલ્મ અને ટીવી-સિરિયલના શૂટ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવે એવી પણ પૂરતી સંભાવના છે.

(1:22 pm IST)