મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

એક મિનિટમાં માથાથી ૬૮ બોટલના ઢાંકણ ખોલવાનો રેકોર્ડ બનાવ્યો

આંધ્રપ્રદેશના ભાઈનું 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં છે નામ

હૈદ્રાબાદ,તા. ૨૪: બોટલ ખોલવા માટે ઓપનર ન મળે તો લોકો દાંતથી કે પછી અન્ય કોઈ વસ્તુથી ખોલે તે બહુ સામાન્ય બાબત છે. પણ તમે કયારે એવું વિચાર્યું છે કે, કોઈ વ્યકિત માથાથી બોટલના ઢાંકણ ખોલી શકે! તમે કયારે કોઈ વ્યકિતને માથુ મારીને બોટલનું ઢાંકણ ખોલતા જોયો છે ખરો? તો આંધ્રપ્રદેશના આ વ્યકિતને મળો જેમણે આ પરાક્રમ કર્યું છે. એક મિનિટમાં માથાથી ૬૮ બોટલના ઢાંકણ ખોલવાનો રેકોર્ડ બનાવીને તેણે 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં પોતાનું નામ નોંધાવ્યું છે. વીડિયો જોઈને તમે ચોક્કસ દંગ રહી જશો.

'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'ના ઓફિશ્યલ પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'તમે ઘરે આ પ્રયત્ન નહીં કરતા. આંધ્રપ્રદેશના નેલ્લૌરના રહેવાસી પ્રભાકર રેડ્ડીએ એક મિનિટમાં ૬૮ બોટેલોના ઢાંકણ માથાથી ખોલીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે'.

વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રભાકર બહુ ઝડપથી તેના માથાથી એક પછી એક કોલ્ડ ડ્રિન્કની બોટલના ઢાંકણ ખોલે છે. આજુબાજુમાં બેઠેલા લોકો વારાફરતી એક પછી એક બોટલ આપે છે અને તે માથું મારીને તેનું ઢાંકણ ખોલે છે.

જયારે આ લખાઈ રહ્યું છે ત્યાર સુધીમાં આ વીડિયોને ૬૦ લાઈકસ અને ૧.૮K વ્યૂઝ મળ્યા છે.

(10:10 am IST)