મુખ્ય સમાચાર
News of Sunday, 24th October 2021

કાશ્મીરમાં હિન્દુઓની હત્યા તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટનાને લઇને શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી ભાજપ સરકારને આડેહાથ લીધા

શિવસેનાએ સત્તા માટે હિન્દુત્વ છોડી દીધુ તેવુ કહેનાર ભાજપે જમ્મુ કાશ્મીરમાં સત્તા માટે મહેબૂબા મુફતી સાથે કરેલુ જોડાણ ભુલાવી દીધુ : રાષ્ટ્રીય હિતના નામે અલગાવવાદી પાર્ટી સાથે હાથ મિલાવીને સત્તાની મલાઈ ખાધી : આમ છતા શિવસેનાને હિન્દુત્વ પર ભાષણ આપવાનો મતબલ છે કે, ભાજપનુ દિમાગ હવે ઠેકાણે નથી: હિન્દુઓ જ નહી પણ હિન્દુસ્તાન આજે ખતરામાં: શિવસેના

Photo : Shivsena

મુંબઇ :  સામનામાં લખાયેલા લેખમાં કહેવાયુ છે કે, 15 દિવસમાં કાશ્મીર ખીણમાંથી 220 હિન્દુ તેમજ સીખ પરિવારોનુ પલાયન થયુ છે અને તેમણે જમ્મુ ખાતે શરણાર્થી શિબિરોમાં શરણ લીધુ છે. શિવસેનાને હિન્દુત્વના પાઠ ભણાવતા લોકોને હિન્દુઓનુ પલાયન દેખાતુ નથી. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓના ઘર સળગાવાઈ રહ્યા છે, હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરાઈ રહી છે, મંદિરો પર હુમલા થઈ રહ્યા છે અને આમ છતા શિવસેના પર હિન્દુત્વ છોડી દેવાનો આરોપ લગાવનારા લોકોને આ હિન્દુઓની ચિંતા નથી. મોદી સરકારને બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા કરવાની ફરજ યાદ આવતી નથી.

વધુમાં શિવસેનાએ કહ્યુ છે કે, શિવસેનાએ સત્તા માટે હિન્દુત્વ છોડી દીધુ તેવુ કહેનાર ભાજપે જમ્મુ કાશ્મીરમાં સત્તા માટે મહેબૂબા મુફતી સાથે કરેલુ જોડાણ ભુલાવી દીધુ છે. રાષ્ટ્રીય હિતના નામે અલગાવવાદી પાર્ટી સાથે હાથ મિલાવીને સત્તાની મલાઈ ખાધી હતી અને આમ છતા શિવસેનાને હિન્દુત્વ પર ભાષણ આપવાનો મતબલ છે કે, ભાજપનુ દિમાગ હવે ઠેકાણે નથી.

હિન્દુઓ જ નહી પણ હિન્દુસ્તાન આજે ખતરામાં

લેખમાં કહેવાયુ છે કે, હિન્દુઓ જ નહી પણ હિન્દુસ્તાન આજે ખતરામાં છે. 100 કરોડ રસી અપાયા બાદ લાલ કિલ્લા પર પીએમ મોદીએ દેશનો સૌથી મોટો તિરંગો ફરકાવ્યો છે તે સારૂ કર્યુ પણ જે રીતે ચીન અને પાકિસ્તાન સરહદ પર ચંચૂપાત કરી રહ્યા છે તે જોતા તિરંગો સુરક્ષિત છે કે નહીં તેનો વિચાર કરવો પડશે.

સામનાના લેખમાં કહેવાયુ છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાને સલાહ આપવા કરતા દેશની સીમા પર રહેતા હિન્દુઓના આક્રોશને સમજવાની જરૂર છે. એક રાજ્યમાં ગૌમાંસ માટે લોકોને જીવથી મારનાર પાર્ટી બીજા રાજ્યમાં ગૌમાસ ખાવાની અનુમતી આપે છે અને આ તેમનુ ખોખલુ હિન્દુત્વ છે. સાવરકરને ભારત રત્ન આપવાની માંગણી પર મૌન સાધી લેનાર પાર્ટી દેખાડાનુ હિન્દુત્વ ધરાવે છે.

(1:50 pm IST)