મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા ગુજરાતને આરોગ્ય રક્ષા-પ્રવાસન વિકાસ કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિઝીટલી ભેટ

કિસાન સુર્યોદય યોજના , ગિરનાર રોપ-વે અને બાળ હ્રદયરોગ હોસ્પિટલ આ ત્રણ પ્રકલ્પો શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે : વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજ્યના એમ્બેસડર બની રાજ્યના સૌંદર્ય-પ્રવાસન સ્થળોને વિશ્વ સમક્ષ લઇ જવા સંકલ્પબધ્ધ બને : પર ડ્રોપ, મોર ક્રોપ નો મંત્ર આત્મસાત કરીએ:આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતમાં ૨૧ લાખ લોકોને લાભ મળ્યો - ૬૨૫ જેટલા જનઔષધિ કેન્દ્રો કાર્યરત થયા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી : ગુજરાતમાં ત્રણ મહત્વાકાંક્ષી પ્રકલ્પના પ્રારંભ થકી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા સ્વપ્નો મૂર્તિમંત થયા છે : આપત્તિને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય ગુજરાતમાં છે : ખેડૂતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : કોરોના મહામારીમાં નવનિર્મિત બિલ્ડીંગ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા- શુશ્રુષા માટે ઉપયોગી નિવડ્યુ : રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી આરોગ્યલક્ષી યોજનાઓના લાભ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યા છે : નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

ગાંધીનગર : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આરોગ્યરક્ષા, કિસાન સમૃધ્ધિ અને પ્રવાસન વિકાસના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા, ગુજરાતે હંમેશા સામાન્ય માનવીની સુવિધા-સુખાકારી માટે ઉદાહરણીય પ્રતિબધ્ધતા દાખવી છે તેમ જણાવ્યુ હતુ 

 

વડાપ્રધાનશ્રી એ કહ્યુ કે, આજે લોકાર્પણ થયેલા ત્રણ પ્રકલ્પો એક પ્રકારે શક્તિ, ભક્તિ, અને સ્વાસ્થ્યના પ્રતિક છે. ગુજરાત હંમેશા અસાધારણ સામર્થ્ય ધરાવતા લોકોની ભૂમિ રહી છે. રાજ્યના અનેક સપૂતોએ દેશને આર્થિક , સામાજીક નેતૃત્વ પુરૂ પાડ્યુ છે. 

આજે કાર્યાન્વિત કરાયેલા પ્રકલ્પોમાં રૂા.૪૭૦ કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ૮૫૦ પથારી ધરાવતી બાળકોના હૃદયરોગની અદ્યતન સારવાર માટેની નવિન હોસ્પિટલ, ગિરનાર ખાતે  એશિયાના સૌથી મોટો રોપ-વે

 ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘‘કિસાન સૂર્યોદય યોજના’’નો સમાવેશ થાય છે

. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જુનાગઢ ખાતેથી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલ અમદાવાદ ખાતેની યુ.એન.હોસ્પિટલથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. 

વડાપ્રધાન શ્રી એ કહ્યું કે,  ‘સુજલામ-સુફલામઅને સૌનીયોજના બાદ કિસાન સુર્યોદય યોજનારાજ્યના વિકાસનું સિમાચિન્હ પૂરવાર થશે.

 વીજળી ક્ષેત્રે વર્ષોથી રાજ્યમાં થઇ રહેલા કામો મા  ‘સુર્યોદય યોજનાનવી ઉંચાઇ પ્રસ્થાપિત કરશે.

ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે દુનિયામાં અગ્રેસર રહ્યુ છે. પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતની આ પહેલનો ઉલ્લેખ કરતા કહ્યુ કે વર્ષ ૨૦૧૦માં ચારણકા-પાટણ માં સૌર ઉર્જા પાર્કની સ્થાપના ગુજરાતે કરી ત્યારે વન સન- વન વર્લ્ડ - વન ગ્રીડની કોઇને કલ્પના પણ ન હતી

  ભારત સૌર ઉર્જા ક્ષેત્રે દુનિયામાં હાલ પાંચમાં ક્રમે છે અને ઝડપથી નવા શિખર સર કરવા તરફ આગળ વધી રહ્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતુ.  

વડાપ્રધાનશ્રી એ કહ્યુ કે ગુજરાતના ખેડૂતોને એક સમયે  સિંચાઇ માટે રાત્રે જ વીજળી મળતી હતી તે પરિસ્થિતિમાં અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડતો હતો. જુનાગઢ-સૌરાષ્ટ્રમાં રાત્રે જંગલી પ્રાણીઓની સમસ્યા પણ રહેતી હતી ત્યારે કિસાન સુર્યોદય યોજનાઅંતર્ગત દિવસે વીજળી ઉપલબ્ધ કરાવીને ખેડુતોને દિવસે કામ કરવા સક્ષમ બનાવશે. ગુજરાત સરકાર આ માટે અભિનંદનને પાત્ર છે.

યોજના અંતર્ગત આગામી બે ત્રણ વર્ષમાં ૩૫૦૦ કિ.મી.ની સર્કિટ ટ્રાન્સમીશન લાઇન પ્રસ્થાપિત થશે જેના કારણે પ્રારંભિક તબક્કામાં ૧૦૦૦ ગામોને આ યોજનાનો લાભ મળી રહેશે. યોજના પૂર્ણ થતા લાખો કિસાનોની રોજીંદી જિંદગીમાં મોટો બદલાવ આવશે એમ તેમેણે કહ્યુ હતુ 

વડાપ્રધાનશ્રી એ ઉમેર્યુ હતુ કે બદલાતા સમય સાથે આપણે કિસાનોની આવક બમણી કરવા યોજનાકીય પ્રયાસો વધારવા જ પડશે

 કુસુમ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને અનેક પ્રકારની સહાયતા અપાઇ છે. દેશના ૧૭.૫ લાખ ખેડૂતોને સોલાર પંપ લગાવવામાં સહાય કરાઇ છે જેના દ્વારા સિંચાઇ થકી ખેડ઼ૂતોને વધારાની આવક મળતી થઇ છે. અન્નદાતાને ઉર્જા દાતા બનાવવાની દિશામાં દેશમાં મહત્વપૂર્ણ કામ થઇ રહ્યુ છે. 

વડાપ્રધાનશ્રી એ ગુજરાત રાજ્યમાં એક સમયે પાણીની વિકટ પરિસ્થિતી હતી તેનો ઉલ્લેખ કરતા કહ્યુ કે હવે નર્મદાની વોટર ગ્રીડ દ્વારા ગામે ગામે પાણી પહોંચ્યુ છે. રાજયના ૮૦ લાખ ઘરોમાં નળ સે જળયોજના અંતર્ગત પાણી પહોંચ્યુ છે. 

કિસાન સર્વોદય યોજનાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યુ કે પર ડ્રોપ મોર ક્રોપનો મંત્ર આત્મસાત કરીને ખેડૂતો વધુ પાણી બચાવવાની સાથે વધુ ઉત્પાદન મેળવવા સક્ષમ બન્યા છે. ગુજરાતે માઇક્રો ઇરીગેશન ક્ષેત્રે પ્રગતિ કરી છે. કિસાન સર્વોદય યોજના આ પ્રગતિને વધુ પરિણામલક્ષી બનાવશે.

રાજ્યના આરોગ્યક્ષેત્રનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યુ કે, યુ.એન.મહેતા હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા અને સારવાર આપી રહી છે. આજે ખુલ્લી મુકાયેલી બાળકોના હ્યદયરોગની હોસ્પિટલ રાજ્ય ઉપરાંત દેશના અનેક દર્દીઓને લાભદાયી નિવડશે. 

૬ વર્ષમાં દેશમાં વિવિધ સ્વાસ્થ્ય સેવાઓ શરૂ કરવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતમાં ૨૧ લાખ લોકોને લાભ મળ્યો છે. ૬૨૫ જેટલા જનઔષધિ કેન્દ્રો કાર્યરત થયા છે તેની ભૂમિકા વડાપ્રધાનશ્રી એ આપી હતી. 

વડાપ્રધાનશ્રી એ જુનાગઢ અને ગીરનારને દેશના અનેક શ્રધ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર ગણાયુ હતું. હજારો શ્રદ્ધાળુઓ પગથિયા ચઢીને ગીરનારના શિખરે પહોંચતા હોય છે તે ગીરનાર વર્ષોથી દર્શનાર્થીઓને અભિભૂત કરતો રહ્યો છે. હવે ગીરનારના શીખરે પહોંચવા માટે રોપ૦વે ની સુવિધા થતા પગથિયા ચઢવાનું ૬-૭ કલાકનું ચઢાણ રોપ-વે ના માધ્યમથી સાતથી આઠ મિનીટમાં જ શક્ય બનશે. અંબાજી, પાવાગઢ, સાતપુડા પછી રાજ્યનો આ ચોથો રોપ-વે છે. 

ગીરનાર રોપ-વે ના માધ્યમથી સુવિધા સાથે સ્થાનિકોને રોજગારી પણ મળશે. વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજ્યના એમ્બેસડર બની રાજ્યના કુદરતી સૌંદર્ય-પ્રવાસન સ્થળોને વિશ્વ સમક્ષ લઇ જવા સંકલ્પબદ્ધ બને તો ગુજરાત નવી ઉંચાઇઓ પ્રસ્થાપિત કરશે એમ તેમણે ઉમેર્યુ હતું. 

વડાપ્રધાનશ્રી એ કહ્યુ કે, ‘ઇઝ ઓફ ડુઇંગઅને ઇઝ ઓફ ટ્રાવેલીંગજરૂરી છે

. ગુજરાતમાં દર્શનાર્થીઓ-પ્રવાસીઓને આકર્ષવાનું અપાર સાર્મથ્ય છે ત્યારે રાજ્યના અંબાજી, પાવાગઢ, ચોટીલા, આશાપુરા જેવા શક્તિના પ્રતિક સમા મંદિરોમાં વધુ દર્શનાર્થી આવે તે માટે સુવિધાઓમાં વધારો જરૂરી છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નો સંદર્ભ આપી તેમણે કહ્યુ કે, અત્યાર સુધીમાં ૪૫ લાખ લોકો તેની મુલાકાત લઇ ચુક્યા છે

. એ જ રીતે અમદાવાદના સૌંદર્યપ્રતિક એવા કાંકરિયા તળાવનું નવીનીકરણ કરી તેમાં આકર્ષણ વધાર્યુ અને તેના પગલે પ્રતિવર્ષ ૭૫ લાખથી વધુ લોકો તેની મુલાકાત લે છે અને લોકોને રોજગારી પણ મળી રહી  છે એમ તેમણે ઉમેર્યુ હતુ.  

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ  ગુજરાત ના સૌ નાગરિકો લોકોને અપીલ કરતા કહ્યુ કે, કોરોના છે ત્યા સુધી આપણે સાવચેત રહીએ, બે ગજની દૂરી રાખીએ, રસીની શોધ ન થઇ જાય ત્યાં સુધી માસ્ક પહેરવુ આવશ્યક છે. જ્યાં સુધી વેક્સીન નહીં ત્યાં સુધી ઢીલાશ નહીંએમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપતી આ હોસ્પિટલમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકો જે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સઘન સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે. દેશમાં પ્રથમ વખત હદયરોગના દર્દીઓ માટે I.C.C.U. ઓન વ્હીલ અને  ટેલી કાર્ડીયોલોજી સેવાનો કાર્યારંભ થયો છે. ટેલી કાર્ડીયોલોજી સેવાના કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવારને પગલે રાજ્ય ઉપરાંત દેશના બાળદર્દીઓ માટે પણ  સારવાર સુવિધા ઉપલબ્ધ થઇ છે. 

  ઉપરાંત, ઐતિહાસિક તીર્થ નગરી જુનાગઢના ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની ટૂક-અંબાજીધામ જવા-આવવા માટેના એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચડયા વિના ગિરનારની ટોચે પહોચી શકશે. પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બન્ને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે. 

  રાજ્યના ધરતીપુત્રોને સિંચાઇ-ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ ચરણનો પણ આજે વર્ચ્યુઅલ પ્રારંભ કરાયો હતો. આ કિસાન સૂર્યોદય યોજના’  હેઠળ ખેડૂતને ખેત વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ અંતિત ૧૭૫ ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે જેમાં ૧૦૦ ગીગાવોટ (૧ લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા ૭૫ ગીગાવોટ (૭૫૦૦૦ મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

જુનાગઢ ખાતેથી આ લોકાર્પણ સમારોહ માં સહભાગી થયેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે, શક્તિના આરાધના પર્વ દરમિયાન આજે ગુજરાતના ત્રણ મહત્વાકાંક્ષી પ્રકલ્પોનો  પ્રારંભ થઇ રહ્યો છે જેના થકી રાજ્યના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા સ્વપ્નો આજે મૂર્તિમંત થયા છે. 

તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. રાજ્યના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. ગુજરાત દશે દિશામાં આગળ વધી રહ્યુ છે. 

આપતિને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રનું ગિરનાર એ ગુજરાત જ નહીં પરંતુ દેશનું ઉન્નત શિખર છે ત્યારે રાજ્ય અને દેશના શ્રધ્ધાળુઓ ગિરનાર પર ઝડપથી જઇ દર્શન કરી પરત ફરે તે માટે આ રોપ-વે કાર્યાન્વિત કર્યો છે. 

ગુજરાતના વિરોધીઓએ રાજ્યના વિકાસમાં અનેક રોડા નાંખીને અવરોધો ઉભા કર્યા છે પરંતુ ગુજરાત ક્યારેય ઝુકશે નહીં એમ તેમણે કહ્યુ હતુ. 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવમાં નોરતાના પવિત્ર પર્વની લોકોને શુભકામના પાઠવી સહર્ષ જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત માટે જોયેલા સપનાને સાકાર કરવાનું  આજે અનોખુ પર્વ છે. 

આજે ગુજરાત, વડાપ્રધાનશ્રીએ ચિંધેલા રસ્તે દિનપ્રતિદિન દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યુ છે. પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી, મેડીકલ હોય કે પછી ટુરીઝમ કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતે આપત્તિને અવસરમાં ફેરવી વિકાસની યાત્રા લગાતાર આગળ વધારી છે. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામડામાંથી અંધારા ઉલેચ્યા હતા. 

ગુજરાતે જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી પુરી પાડવાનુ શરૂ કર્યુ હતુ. હવે કિસાન સૂર્યોદય યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પડાશે. જેથી રાત ઉજાગરો કરીને હવે ખેડૂતોને ખેતીકામ નહીં કરવા પડે. ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૦ ટકા રહ્યો છે. જ્યારે મૃત્યુઆંક ર.૧૫ ટકા સુધીનો અને પોઝીટીવીટી રેટ ર.૭૫ ટકા રહ્યો છે. આમ પ્રજાના સાથ અને સહકારથી તહેવારોના પર્વમાં કોરોનાને કાબુમાં રાખવા ગુજરાત સફળ રહ્યુ છે. 

સોરઠની ધરા વિશે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, પવિત્ર ગિરનાર પર્વતના દર્શન અને દામોદર કુંડમાં સ્નાન ન થાય તો અવતાર અસફળ થયો ગણાય. 

એવા ગિરનાર રોપ-વેમાં અનેક વર્ષો જુની અડચણો વચ્ચે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના હસ્તે વર્લ્ડ ક્લાસ રોપ-વેનો પ્રારંભ થઇ રહ્યો છે. 

જેથી યાત્રાળુઓ-પ્રવાસીઓ ઝડપથી રોપ-વેના માધ્યમથી દર્શન કરી શકશે. વડાપ્રધાનશ્રીએ ગિરનાર રોપ-વેને ઝડપથી મંજુર કરીને જૂનાગઢવાસીઓનુ રોપ-વેનું સ્વપ્ન સાકાર કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગિરનાર પર્વત ઉપર યાત્રિકોને લઇ જતાં ડોલીવાળાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ‘ડોલીવાળાઓ શારિરીક શ્રમ કરી લોકોને પર્વત ઉપર દર્શન કરાવતા હતા.આ સુવિધાથી મહત્તમ ઓછા સમયમાં ગિરનારની ટૂક ઉપર પહોંચી દર્શનનો લાભ લઇ શકશે અને સાથે સાથે સ્થાનિક રોજગારી પણ વધશે.પવિત્ર પર્વત ગિરનારમાં અનેક પરમ આત્મા-સાધુ-સંતોએ સાધના કરી છે. ત્યારે આવી પવિત્ર જગ્યાએ રોપ-વેના માધ્યમથી ભાવિકો સરળતાથી અંબાજી માતાના દર્શન કરી શકશે એમ તેમણે ઉમેર્યુ હતુ. 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ ખાતે નવનિર્મિત બાળકો માટેની હ્યદયરોગની હોસ્પિટલ ઉદ્ઘાટનમાં કહ્યુ કે, આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાઅને ગુજરાત સરકારની મા વાત્સલ્ય યોજનાના હેલ્થ કાર્ડ અંતર્ગત દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળશે. 

વર્ષ ૨૦૧૯માં અહીં કુલ ૩૫૯૬ હજારથી વધારે હાર્ટ સર્જરી કરવામાં આવી જેમાં ૧૯૨૭  બાળકોની સર્જરીનો સમાવેશ થાય છે.

શ્રી પટેલે કહ્યું કે, આ બિલ્ડીંગ ઘણા સમયથી તૈયાર થઇ ગયું હતું. કોરોના મહામારીના પગલે આ બિલ્ડીંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા માટે કાર્યરત કરાયું હતું. 3 હજારથી પણ વધુ દર્દીઓને આ બિલ્ડીંગમાં સારવાર અપાઇ છે. ક્રમશ: હવે હદયરોગના દર્દીઓ માટે આ બિલ્ડીંગ પૂર્ણત: કાર્યરત કરવામાં આવ્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતુ. 

હોસ્પિટલમાં ન્યુનતમ ખર્ચે દર્દીઓને સારવાર મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી આરોગ્યલક્ષી યોજનાઓના લાભ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થશે. અમદાવાદ સિવિલ મેડીસીટીમાં કાર્યરત અન્ય હોસ્પિટલની સાથે  બાળકોના હ્યદયરોગની નવનિર્મિત હોસ્પિટલમાં દર્દીઓને અધતન સારવાર મળી રહેશે તેમ શ્રી નીતિન પટેલે ઉમેર્યુ હતું. 

ઉર્જામંત્રી શ્રી સૌરભ પટેલ તથા મંત્રી શ્રી જવાહર ચાવડાએ જુનાગઢથી, શ્રી દિલીપ ઠાકોર પાટણથી, શ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને પ્રસંગોચિત સંબોધનો કર્યા હતાં.

અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, સાસંદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી બિજલબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના  મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, આરોગ્ય વિભાગના સચિવ ડૉ. જયંતિ રવી, યુ. એન. મહેતાના નિયામકશ્રી આર.કે. પટેલ સહિત તબીબી જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:35 pm IST)