મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

અમેરિકામાં ત્રીજી નવેમ્‍બરે રાષ્‍ટ્રપતિ પદની ચૂંટણીઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને જો બિડેન વચ્‍ચે કાંટાની ટક્કરઃ રાષ્‍ટ્રપતિ ચૂંટણી લડવા માટે 3 શરતો પૂરી કરવી ફરજીયાત

વૉશિંગ્ટન: અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

વિશ્વના સૌથી શક્તિશાળી શખ્સને પસંદ કરવા માટે થનારી આ ચૂંટણી પર દુનિયાભરની નજર હોય છે અને તેની પ્રક્રિયા પણ આટલી સરળ નથી હોતી, જેટલી તે બહારથી દેખાય છે. તો ચાલો આજે અમે તમને અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સમજાવીએ

રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે આ 3 શરતો પૂરી કરવી ફરજિયાત

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે કોઈ પણ વ્યક્તિ માટે ત્રણ શરતો પૂરી કરવી અનિવાર્ય છે.

  તેનો જન્મ અમેરિકામાં જ થયો હોવો જોઈએ

  તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ

  તે વ્યક્તિ છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં જ રહેતો હોવો જોઈએ.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો વચ્ચે જ હોય છે. જો કે અન્ય કોઈ પણ ચૂંટણી લડી શકે છે.

કેવી રીતે પોતાનો ઉમેદવાર પસંદ કરે છે પાર્ટીઓ?

રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બે પદ્ધતિથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પસંદગી કરે છે. એક કૉક્સ અને બીજું પ્રાઈમરી. જેમાં પાર્ટીનો કોઈ પણ સભ્ય ઉભો રહી શકે છે.

કૉકસમાં એક પાર્ટીના સમર્થકો એક જગ્યાએ એકઠા થઈને વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ઉમેદવારોની વાત સાંભળ્યા બાદ પોતાના હાથ ઉઠાવીને તેમને સમર્થન આપે છે.

જ્યારે પ્રાઈમરીમાં બેલેટ વૉટિંગ મારફતે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. મોટાભાગના રાજ્યો પ્રાઈમરી પદ્ધતિનો ઉપયોગ કરે છે.

પ્રાઈમરી અને કૉકસમાં ઉમેદવારોને જેટલા મત મળે છે. તેના આધાર પર જ બન્ને પાર્ટીઓ પોતાના સમ્મેલનમાં એક વિજેતાની જાહેરાત કરે છે, જે પાર્ટીના રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બને છે. આ ઉમેદવાર પોતાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની પસંદગી કરે છે.

જે બાદ બન્ને પાર્ટીઓના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સમગ્ર દેશમાં પ્રચાર કરે છે અને તેમના વચ્ચે વિવિધ મુદ્દાઓ પર એક તબક્કે લાઈવ ડિબેટ પણ થાય છે.

મતદાન પ્રક્રિયા અને વિજેતા ઉમેદવાર

અંતિમ તબક્કામાં નવેમ્બરના પ્રથમ મંગળવારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થાય છે. આ વખતે પ્રથમ મંગળવાર 3 નવેમ્બરના રોજ છે અને આજ દિવસે મતદાન થશે.

આ મતદાનમાં લોકો સીધા રાષ્ટ્રપતિની પસંદગી નથી કરતાં, પરંતુ ઈલેક્ટર્સ મારફતે રાષ્ટ્રપતિની પસંદગી થાય છે. આ વ્યવસ્થાને ઈલેક્ટોરલ કૉલેજ કહેવામાં આવે છે.

દરેક રાજ્યમાં વસ્તી સહિત અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને ઈલેક્ટર્સની એક ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. સમગ્ર દેશમાંથી કુલ 538 ઈલેક્ટર્સ પસંદ કરવામાં આવે છે.

તમામ રાજ્યોના મળીને જે ઉમેદવાર 538 ઈલેક્ટર્સના અડધાથી વધુ એટલે કે 270 ઈલેક્ટર્સ જીતવામાં સફળ થાય છે, તેને વિજેતા માનવામાં આવે છે.

ચૂંટણીની રાત્રે જ વિજેતાની જાણ થઈ જાય છે. જે બાદ આગામી વર્ષે 20 જાન્યુઆરીએ વિજેતા ઉમેદવાર રાષ્ટ્રપતિ પદના શપથ લે છે.

(4:20 pm IST)