મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

જમ્મુ-કાશ્મીર પર ષડયંત્રનો નવો આધાર બની રહ્યું છે તુર્કીઃ પાકિસ્તાનને સોંપ્યા પેરામીટર સર્વે રડાર સિસ્ટમ

આ સિસ્ટમ પોર્ટેબલ છેઃ બે લોકો ગમે ત્યાં લઈ જઈ શકે છે, ઓપરેટ કરવા ફકત એક જ વ્યકિત જોઈએઃમોટા વિસ્તારને સ્કેન કરી શકે છે

નવી દિલ્હી, તા.૨૪: પાકિસ્તાનનું આતંકી ચરિત્ર દુનિયા જાણે છે. પરંતુ હવે પાકિસ્તાને તુર્કીને પણ પોતાના પાપનું ભાગીદાર બનાવ્યું છે. તુર્કી ઇસ્લામિક દેશના સૌથી મોટો નેતા બનવા ઇચ્છે છે. તેથી તે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તમામ મદદ કરવા તૈયાર છે.

ઈમરાન ખાને તુર્કીના રાષ્ટ્રપતિ રૈચપ તૈયબ એર્દોઆનની સાથે મળીને કાશ્મીર પર સમગ્ર વિશ્વમાં જૂઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્પ્રચાર ફેલાવવા તુર્કીએ મીડિયામાં કાશ્મીરના અલગાવવાદીઓને પણ ભરતી કર્યા. પરંતુ, તમામ યુકિતઓ નિષ્ફળ ગઈ, તો હવે ઇમરાન ખાન અને એર્દોઆન કાશ્મીર પર મોટા કાવતરાની તૈયારી કરી રહ્યા છે.

કાશ્મીરમાં આતંકવાદ વધારવા તુર્કી ખુલ્લેઆમ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ચીન પછી તુર્કીએ પણ પાકિસ્તાનને શસ્ત્રો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન તુર્કીથી પેરામીટર સર્વે રડાર સિસ્ટમ લેવા જઈ રહ્યું છે. રેટિનાર PTR-X પેરામીટર સર્વેલન્સ રડાર સિસ્ટમની ખાસ વાત એ છે કે તે પોર્ટેબલ છે. આનો અર્થ એ છે કે બે લોકો સરળતાથી આ સિસ્ટમ કયાંય પણ લઈ જઈ શકે છે અને તેને ચલાવવા માટે ફકત એક માણસની જરૂર છે.

આ સિસ્ટમ સંપૂર્ણ ઓટોમેટિક રીતે મોટા વિસ્તારને સ્કેન કરી શકે છે અને તેના ઉપયોગથી સતત દૂરબીનો અને કેમેરાની મદદથી સતત નિરીક્ષણ કરવાની જરૂર નથી. પાકિસ્તાન તુર્કી પાસેથી આ સિસ્ટમ એટલા માટે લઈ રહ્યું છે કે એલઓસી પર ઘૂસણખોરી કરવાના ષડયંત્રને પૂર્ણ કરી શકાય.

ભારતીય શૂરવીરોની હાજરીએ ના માત્ર કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડી છે, પરંતુ ભારતમાં દ્યૂસણખોરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં, આ રડાર દ્વારા તે વિસ્તારોને સ્કેન કરી શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. જયાંથી ઘૂસણખોરી શકય છે.

(3:42 pm IST)