મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

આર્મીની કેન્ટીનમાંથી વિદેશી ચીજ-વસ્તુઓ નહિ મળેઃ સ્કોચ પણ નહિઃ સરકારે પ્રતિબંધ મૂકયો

ભારતીય આર્મી આત્મનિર્ભર ભણીઃ કેન્ટીનમાં મળશે સ્વદેશી ચીજોઃ આર્મીની ૪૦૦૦ જેટલી કેન્ટીનમાં હવે વિદેશી દારૂનું વેંચાણ પણ નહિ થાય

નવી દિલ્હી તા. ર૪ :.. કેન્દ્ર સરકારે આર્મીની કેન્ટીનમાં વિદેશથી આયાત કરાતી ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારનો આ આદેશ દેશભરની ૪૦૦૦ થી વધુ આર્મી કેન્ટીન પર લાગુ પડશે. અત્યાર સુધી આર્મી કેન્ટીનથી આયાતી દારૂ, ઇલેકટ્રોનિક સામાન અને અન્ય ચીજવસ્તુઓનું વેંચાણ થતું હતું. આર્મીના ઓફિસરો જવાનો અને પૂર્વ સૈનિકોને રાહતદરે આ સામાન મળે છે. સરકારનું આ પગલુ જો ડાયજિયો અને પેરનોડ રિચર્ડ જેવી વિદેશી દારૂ કંપનીઓ માટે ખરાબ સમાચાર છે.

મળતી માહિતી અનુસાર ૧૯ ઓકટોબરથી સરકારે એક આદેશ જારી કરી આર્મીની કેન્ટીનમાંથી વિદેશી સામાનના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આ આદેશમાં જણાવાયુ છે કે આ મુદ્ે આર્મી, નૌકાદળ, વાયુદળ સાથે મેથી જૂલાઇ વચ્ચે વાતચીત થઇ હતી. પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના અભિયાન હેઠળ આર્મીની કેન્ટીનમાંથી વિદેશી સામાનના વેંચાણને રોકવાનો આદેશ અપાયો છે.

આ આદેશમાં કોઇ ખાસ પ્રોડકટનો ઉલ્લેખ નથી પણ સમજાય છે કે વિદેશી દારૂના વેંચાણ પર રોક લાગી શકે છે.

ભારતની ડિફેન્સ કેન્ટીનમાંથી લગભગ ર બિલીયન ડોલર્સનું વાર્ષિક વેંચાણ થાય છે. આર્મી કેન્ટીનના કુલ વેચાણના ૬ થી ૭ ટકા ઇમ્પોર્ટ થાય છે.

પેરનોડ અને ડિયાજિયોએ સરકારી કેન્ટીનથી પોતાના ઇમ્પોર્ટેડ બ્રાન્ડ માટે ઓર્ડર લેવાનું જુનથી બંધ કર્યુ હતું આર્મી કેન્ટીનથી દારૂનું વેચાણ ૧૭ મીલીયન ડોલર વાર્ષિક છે. અહીથી ચાઇનીઝ પ્રોડકટ જેમ કે ડાયપર્સ,  વેકયુમ કલીનર્સ, હેન્ડબેંગ, લેપટોપ વગેરે પણ વેંચાતા હતાં.

(11:31 am IST)