મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

આવતા જુન સુધીમાં લોન્ચ થઇ જશે સ્વદેશી વેકસીનઃ ભારત બાયોટેક

૧૨-૧૪ રાજયોના ૨૦,૦૦૦ થી વધુ લોકોને ટ્રાયલમાં સામેલ કરાશે

નવી દિલ્હી, તા.૨૪: કોરોના વાયરસની વેકસીન વિકસિત કરવા માટે દુનિયાભરમાં શોધ ચાલી રહી છે. આ સમયે ભારતીય કંપની ભારત બાયોટેક સ્વદેશી કોરોના વાયરસ વેકસીન કોવૈકસીન પર કામ કરી રહી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ કંપનીને વેકસીનના ત્રીજા ટ્રાયલની મંજૂરી આપી છે. કંપનીનું કહેવું છે કે આવનારા વર્ષે જૂનમાં વેકસીન લોન્ચ થવાની શકયતા છે.

કંપની હૈદરાબાદની છે અને તેણે ૨ ઓકટોબરે ડીસીજીઆઈને અરજી કરીને ત્રીજા ટ્રાયલની મંજૂરી મેળવી છે. કંપનીની યોજના ૧૨-૧૪ રાજયોના ૨૦૦૦૦થી વધારે લોકોને ટ્રાયલમાં સામેલ કરવાની છે. કંપનીના ડાયરેકટરે કહ્યું છે કે જો તમામ પરમિશન મળી તો શકયતા છે કે ૨૦૨૧ના જૂન મહિનામાં વેકસીન લોન્ચ થાય.

ICMRના સહયોગથી આ વેકસીન તૈયાર થઈ રહી છે. કોવૈકસીન એવી રસી છે જેમાં શકિતશાળી ઈમ્યુન સિસ્ટમ વિકસિત કરવા માટે કોરોનાના મૃત વિષાણુઓ શરીરમાં ઈન્જેકટ કરી શકાય છે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ કોરોના વાયરસની વેકસીન કોવીશિલ્ડ બનાવી રહ્યું છે.માનવામાં આવી રહ્યું છે તેનું કામ ભારત બાયોટેકથી આગળ ચાલી રહ્યું છે. કહેવાય છે કે સીરમ ઈન્સ્ટિટ્યુટે ત્રીજા ચરણના ટ્રાયલને માટે લોકોની પસંદગી શરૂ કરી છે. પરંતુ તેમ છતાં સરકાર મંજૂરીને લઈને વિચાર કરી શકે છે.

(10:08 am IST)