મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

અર્થવ્યવસ્થા એ કોઈ સર્કસનો સિંહ નથી જે રિંગમાસ્ટરના ઈશારે નાચશે: પી, ચિદમ્બરમ

આરબીઆઈ ગવર્નર, સેબી અધ્યક્ષ અને ડીઈએ સચિવને એક જ વિષય પર એક જ દિવસે બોલવું જોઇએ.

નવી દિલ્હી : અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવાના કેન્દ્ર સરકારના તમામ દાવા પર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ ખૂબ વરસ્યા છે તેમણે કહ્યું, અર્થવ્યવસ્થા ઘણી હદ સુધી બજાર પર નિર્ભર છે અને આ માગ અને પૂરવઠાના સિદ્ધાંતો પર કામ કરે છે. જ્યાં સુધી સરકાર ગરીબોના ખિસ્સામાં પૈસા નાખશે નહીં અને ગરીબોને ભોજન મળશે નહીં, ત્યાં સુધી અર્થવ્યવસ્થા ફરી જીવિત થશે નહીં.

તેમણે એવું પણ કહ્યું કે RBI ગવર્નર અને સેબીના અધ્યક્ષ નાણામંત્રીને જણાવે કે મોટાભાગના લોકોની પાસે કશુ પણ ખરીદવા માટે પૈસા નથી.

ચિદમ્બરમે સરકારની મજાક ઉડાવતા કહ્યું કે, શું આ રસપ્રદ નથી કે આરબીઆઈ ગવર્નર, સેબી અધ્યક્ષ અને ડીઈએ સચિવને એક જ વિષય પર એક જ દિવસે બોલવું જોઇએ. આ ત્રણેયે અર્થવ્યવસ્થા પર વાત કરવાની કોશિશ તો કરી છે. અર્થવ્યવસ્થા એક સર્કસનો સિંહ નથી જે રિંગમાસ્ટરના ઈશારે નાચશે. આ પહેલા ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા હવે ફરીથી ચાલવાની સ્થિતિમાં આવી ગઇ છે.

એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, એ ખૂબ જ અગત્યનું છે કે નાણાકીય સંસ્થાઓની પાસે વિકાસને આગળ વધારવા માટે પર્યાપ્ત પૂંજી હોય. આમાંથી ઘણાં પહેલાથી જ પૈસા ભેગા કરી ચૂક્યા છે, જ્યારે અન્ય પણ આવું કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મહામારીના ખતમ થયા પછી સરકારે દેશ માટે એક રાજકોષીય રોડમેપ તૈયાર કરવાનો રહેશે.

(12:07 am IST)