મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

પ્રધાનોને ચૂંટણી મંત્ર આપશે મોદી

આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મળશે કાઉન્સીલ ઓફ મીનીસ્ટર્સની મીટીંગ

નવી દિલ્હી, તા. ર૪ : ચૂંટણીના માહોલમાં ગરમાવા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બુધવારે કાઉન્સીલ ઓફ મીનીસ્ટર્સ સાથે મીટીંગ કરશે. સુત્રો અનુસાર, વડાપ્રધાનના નિવાસ સ્થાને થનાર આ મીટીંગમાં બધા પ્રધાનો ભાગ લેશે. તેમાં અટવાયેલા કામોની સમીક્ષા ઉપરાંત સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને ચૂંટણી દરમ્યાન લોકોને તેના વિષે કેવી રીતે જણાવવું તે બાબતે ચર્ચા થશે. આ મીટીંગમાં વડાપ્રધાન હાલમાં સીબીઆઇમાં ચાલી રહેલ ડખો અને રાફેલ મામલા બાબતે સરકારના વિચારો મૂકશે. આ મુદાઓ પર વિરોધપક્ષો સતત હુમલાઓ કરે છે.

સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન પોતાના પ્રધાનોને એવો સંકેત આપવા માગે છે કે હવે નિર્ણાયક લડાઇનો સમય આવી ગયો છે. સરકાર અને પણ ફ્રંટફુટ પર રમશે. જોકે ચૂંટણીની મોસમમાં સરકાર સામે બે મોટા પડકારો ખડા છે. એક વિરોધ પક્ષોના આક્ષેપો સામે પ્રજા સમક્ષ પોતાની વાત મૂકવી અને લોકોને સરકારની કામગીરીની માહિતી આપવી. આના માટે મોદી બધા નેતાઓ અને પ્રધાનોને આવતા એક મહીના સુધીનો રોડમેપ આપશે તે મુજબ પ્રજા સમક્ષ જવાનું લક્ષ્યપણ રાખવામાં આવશે.

શિવસેના પર રહેશે નજર

આ મીટીંગમાં બધાની નજર શિવસેનાના પ્રધાનો પર રહેશે કે તેઓ આવે છે કે નહીં એ પણ જોવાનું રહેશે કે જો તેઓ આવશે તો સરકાર સામે કોઇ સવાલો રાખે છે કે નહીં. અત્યારના સંજોગોમાં શિવસેના સરકાર પર સતત હુમલો કરી રહી છે. આ ઉપરાંત પ્રધાનમંડળમાં ફેરફારની અટકળ પણ થઇ રહી છે.

(11:24 am IST)