મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

CBI ડખ્ખો... રાકેશ અસ્થાના ઉપર કાર્યવાહીને PMO ની લીલીઝંડી

રાકેશ અસ્થાનાએ પણ PMO નો સંપર્ક કર્યો પણ દાદ ન મળી

નવી દિલ્હી તા.૨૪: ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના ઉપર કાર્યવાહી કરવા પર હાઇકોર્ટે ભલે સ્ટે આપ્યો હોય પણ તેમનું સીબીઆઇમાં રહેવું અઘરૃં છે. સીબીઆઇ ડાયરેકટર આલોક વર્માએ સોમવારે પીએમઓ સમક્ષ રાકેશ અસ્થાના વિરૂદ્ધ થયેલી કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપી હતી. જણાવવામાં આવે છે કે પીએમઓએ આલોક વર્માને આ કેસમાં કાયદેસરની કાર્ર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

સુત્રો અનુસાર, કાનુની કાર્યવાહી માટે પીએમઓ માંથી લીલીઝંડી મળ્યા પછી આલોક વર્માએ રાકેશ અસ્થાનાને સીબીઆઇ માંથી કાઢવાનું નક્કી કરી લીધું હતું. જેથી સ્પેશ્યલ ડાયરેકટર હોવાથી તે તપાસમાં દખલગીરી ન કરી શકે. આના માટે તેમના સસ્પેન્શન અને હોદ્દા પરથી હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ હતી. પણ બપોર પછી હાઇકોર્ટના હુકમ પછી તે રોકી દેવામાં આવી. હાઇકોર્ટે સોમવારે સુનાવણી સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો છે.

જણાવાઇ રહયું છે કે આલોક વર્માએ સોમવારે પીએમઓને વિસ્તાર પુર્વક જણાવ્યું  કે કઇ રીતે રાકેશ અસ્થાનાએ પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને મોઇન કુરેશી કેસમાં સાક્ષી સતીશબાબુ સનાને ડરાવી ધમકાવીને ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. સતીશબાબુ સનાએ મેજીસ્ટ્રેટ સામેસીઆરપીસીની ધારા ૧૬૪ હેઠળ આપેલ પોતાના બયાનમાં તેનો સ્વીકાર કર્યો હતો. ધારા ૧૬૪ હેઠળ અપાયેલ બયાનને અદાલતમાં સાબિતી તરીકે ગણવામાં આવે છે.

આલોક વર્માએ પીએમઓને એ પણ જણાવ્યું કે સતીશ બાબુ સનાના આક્ષેપોની સાબિતી માટે ઘણીબધી સાબિતીઓ પણ છે, જેમાં ફોન પર વાતચીતની ટેપ અને વ્હોટ્સ એપ તથા સામાન્ય મેસેજ પણ શામેલ છે. આલોક વર્માનું કહેવું છે કે સચોટ સાબિતીઓના આધાર ઉપર જ સીબીઆઇએ પોતાના જ સ્પેશ્યલ ડાયરેકટર વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્ણય લેવો પડયો છે.

ઉચ્ચ પદે બેઠેલા સુત્રો અનુસાર રાકેશ અસ્થાનાનાએ પણ આલોક વર્મા પછી પીએમઓ  સામે પોતાની વાત મુકવાની કોશિષ કરી હતી. પણ તેમને એ મોકો આપવામાં ન આવ્યો. સોમવારે જો હાઇકોર્ટ માંથી અસ્થાનાને રાહત નહીં મળે તો સીબીઆઇ માંથી તેની હકાલપટ્ટી નક્કી છે. આ ઉપરાંત સસ્પેન્શન અને ધરપકડ પણ થઇ શકે છે.

(11:41 am IST)