મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

કચ્છમાં આહિર સમાજના ૪ અને મુસ્લિમ (કુંભાર) સમાજના ૨નો ભોગ લેવાયો

બે સગાભાઇ સહિત ચાર પિતરાઇ ભાઇઓના મોત

તસ્વીરમાં છસરા ગામમાં હત્યાનો ભોગ બનેલા યુવકોના ફાઇલ ફોટા.

ભુજ તા. ૨૪ : કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જુની અદાવતનું મનદુઃખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું.

જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ ૭ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી ૬ના સારવાર મળે તે પુર્વે મોત નીપજયા છે. જયારે એક મુસ્લિમ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. બનાવના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી જવા પામી છે.

મુન્દ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના ૪ યુવકો પોતાના ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે પૂર્વ પ્લાનીંગ સાથે જુની અદાવતનું વેર વાળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઈસમોએ હથીયારો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. સામાપક્ષે આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર રૂપ આપ્યું હતું. આ સશસ્ત્ર ધિંગાણાંમાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામાપક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં તેમણે દમ તોડ્યો હતો.

આઇજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ગામમાં કેમ્પ બનાવ્યો. ભૂજના એસપી ભરાડા પણ ઘટનાસ્થળે છે. ગામમાં પોલીસના ધાડેધાડા ગોઠવાયા છે. જોકે વાતાવરણ શાંત રહે તે હેતુંથી પોલીસ તાકીદે કામગિરી કરી રહી છે.(૨૧.૯)

કચ્છના મૃતકો

મગન મ્યાજર આહિર (ઉ.વ.૨૭)

ભરત મ્યાજર આહિર (ઉ.વ.૨૮)

ભાર્ગવ પચાણ આહિર (ઉ.વ.૨૬)

ચેતન નારણ આહિર (ઉ.વ.૩૮)

આમદ અબ્દુલ બુલિયા (ઉ.વ.૭૦)

આબિદ અબ્બર બુલિયા (ઉ.વ.૨૫)

 

(11:06 am IST)