મુખ્ય સમાચાર
News of Friday, 24th September 2021

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને જબરો ફટકો: એકસાથે 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાશે

મુક્તાઈનગર અને બોધવડ નગરપાલિકાના 11 કોર્પોરેટરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાશે

મુંબઈ : મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જલગાંવમાં ભાજપમાં પક્ષનો અંદરનો અસંતોષ ખુલ્લીને સામે આવ્યો છે. જિલ્લાની મુક્તાઈનગર અને બોધવડ નગરપાલિકાના 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાઈ રહ્યા છે. આ તમામ કોર્પોરેટરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની  હાજરીમાં શિવસેનામાં જોડાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જલગાંવ જિલ્લાના 11 કોર્પોરેટરોએ ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. જલગાંવ જિલ્લાના આ તમામ કોર્પોરેટરો એકનાથ ખડસેના સમર્થક હોવાનું કહેવાય છે.એકનાથ ખડસે અગાઉ ભાજપમાં હતા. જ્યારે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર રચાઈ ત્યારે તેઓ નારાજ થયા હતા. કારણકે તેઓ પોતાને મુખ્યમંત્રી પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર માનતા હતા.

ફડણવીસ સરકારની રચના પહેલા તેઓ વિપક્ષના નેતા પણ હતા. બાદમાં ભાજપ છોડીને તેઓ એનસીપીમાં (NCP) ગયા. જ્યારથી તેઓ એનસીપીમાં (NCP) જોડાયા છે, ત્યારથી તેઓ ભાજપને એક યા બીજી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં જમીન કૌભાંડના કેસમાં તેમની સામે ઈડીની તપાસ ચાલી રહી છે

(11:44 pm IST)