મુખ્ય સમાચાર
News of Friday, 24th September 2021

શેરબજાર નવા શિખરે પહોંચ્યું સેન્સેકસ ૬૦,૦૦૦ ઉપર ૮ મહિનામાં જ ૧૦,૦૦૦ પોઇન્ટની છલાંગ

નવો ઇતિહાસ રચતું શેરબજાર : આખલો ગાંડોતૂર : રોકાણકારો માટે 'અચ્છે દિન' : નીફટી પણ ૧૮૦૦૦ની નજીક : તમામ દિગ્ગજ શેર્સ ઉછળ્યા : ચોતરફા લેવાલી : કોરોના હળવો પડયો, અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ નહિ વધારે, ચીન સંકટથી રાહત, કંપનીઓના સારા પરિણામો વગેરે તેજીના કારણો

મુંબઇ તા. ૨૪ : ભારતીય શેરબજારે આજે એક ઇતિહાસ રચ્યો છે. સપ્તાહનો અંતિમ દિવસ શેર બજાર માટે બ્લેકફ્રાઇડે નહિ પણ ગુડફ્રાઇડે સાબિત થયો છે. આજે સેન્સેકસે પહેલીવાર ૬૦,૦૦૦ની સપાટી વટાવતા રોકાણકારોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. માત્ર ૮ મહિનાની અંદર જ સેન્સેકસે ૧૦,૦૦૦ પોઇન્ટની છલાંગ લગાવી છે. ૩ ફેબ્રુઆરીએ સેન્સેકસ ૫૦,૦૦૦ ઉપર પહોંચ્યો હતો.

શેરબજારની તેજી માટે તમામ સાનુ કૂળ સંજોગો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ હાલ વ્યાજદર વધારવાનું નથી, ચીનમાં આવેલા સંકટથી રાહત, કોરોના ઠંડો પડયો તથા કંપનીઓના સારા પરિણામો આવવાની આશાએ શેરબજાર તેજીની દોટ લગાવી છે.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૨૮ પોઇન્ટ વધીને ૬૦૦૧૩ તથા નીફટી ૧૫ પોઇન્ટ વધીને ૧૭૮૩૮ ઉપર ટ્રેડ કરે છે.  આજે દિવસમાં સેન્સેકસે ૬૦૩૩૩ તથા નીફટીએ ૧૭૯૪૭ની લાઇફટાઇમ હાઇ સપાટી દર્શાવી હતી. પરંતુ બપોરે પ્રોફીટ બુકીંગ નીકળતા સવારનો સુધારો બપોરે ધોવાયો હતો. બજારમાં ચોતરફા લેવાલી જોવા મળી રહી છે. દિગ્ગજ શેર્સ ઉચકાયા છે.

એશિયન પેઇન્ટસ ૩૪૫૦, HCL ટેક ૧૩૬૩, એરટેલ ૭૪૦, એચડીએફસી બેંક ૧૬૦૪, મહિન્દ્રા ૭૭૪, રાષ્ટ્રીય કેમ ૮૪, ચંબલ ૩૪૫, ભારતી ઇન્ફ્રા ૩૧૪, KPR મિલ ૪૬૨, નેશનલ ફર્ટી ૬૧, ગુજરાત અલ્ક ૬૦૧, ઓબેરોય ૯૨૧, આઇડીયા ૧૧.૩૨, ITC ૨૩૯, હિન્દુસ્તાન યુનિલીવર ૨૭૩૬, SBI ૪૪૧,  એકસીસ ૮૯૬, ટાટા સ્ટીલ ૧૨૭૧  ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

ભારતીય શેરબજારમાં લિકવિડિટીનો પ્રશ્ન હતો તે હલ થઇ ગયો છે. કોરોના આવ્યા પછી જે મંદી આવી હતી તે હવે ધંધા રોજગાર શરૂ થઇ જવાથી દૂર થઇ છે. સેન્સેકસ અને નિફટી બેઝડ બ્લૂ ચિપ શેર્સમાં વિદેશી સંસ્થાઓની સાથે સાથે સ્થાનિક ફંડોની પણ સારી એવી ખરીદી રહે છે. પબ્લિક ઇશ્યૂ પણ ઓવર સબ્સ્ક્રાઇબ થઇ રહ્યા છે અને સ્મોલકેપ તથા મિડકેપમાં પણ બહોળી લેવાલી.

ભારતીય શેરબજારોમાં છેલ્લા એક - દોઢ વર્ષથી અવિરત તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE)નો સૂચકઆંક સેન્સેકસ ૬૦,૦૦૦ પોઇન્ટની નજીક પહોંચી ગયો છે ત્યારે સ્ટોક માર્કેટ તરફ લોકોનું વલણ બદલાયું છે. બજારમાં આવેલી તેજીને પગલે રોકાણકારોનું આકર્ષણ પણ વધ્યું છે. ૨૧ સપ્ટેમ્બર સુધીમાં BSE પર રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા ૮ કરોડ પર પહોંચી છે. વીતેલા એક વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં ૨.૫૪ કરોડ નવા રોકાણકારો આવ્યા છે. આ હિસાબે માર્કેટમાં રોજના ૧ લાખથી વધુ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે.

(3:00 pm IST)