મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

૨૦૨૦માં દેશના અર્થતંત્રને નુકસાનની અસર કાયમી હશે

યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનો રિપોર્ટ : ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૪.૩ ટકા ઘટાડો જોવાશે

સંયુક્ત રાષ્ટ્ર,તા.૨૪ : કોરોના મહામારીને કારણે ૨૦૨૦માં ભારતના અર્થતંત્રમાં ૫.૯ ટકાનો ઘટાડો જોવા મળશે  તેમ યુનાઇટેડ નેશન્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતનો જીડીપી આગામી વર્ષે વધી જશે પણ ૨૦૨૦માં અર્થતંત્રમાં થયેલા ઘટાડાથી થયેલા નુકસાનની અસર કાયમી રહેશે. UN કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા જારી કરાયેલા ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ રિપોર્ટ, ૨૦૨૦માં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ મંદીમાંથી પસાર થઇ રહ્યું છે. અહેવાલ અનુસાર ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૪.૩ ટકાનો ઘટાડો જોવા મળશે. UNCTADના જણાવ્યા અનુસાર ૨૦૨૦માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ૪.૮ ટકાનો ઘટાડો જોવા મળશે. જો કે ૨૦૨૧માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ૩.૯ ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૦માં ભારતના જીડીપીમાં ૫.૯ ટકાનો ઘટાડો જોવા મળશે જ્યારે ૨૦૨૧માં જીડીપીમાં ૩.૯ ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલમાં જણાવવાં આવ્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે ભારતમાં લાદવામાં આવેલા કડક લોકડાઉનને કારણે મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઇ જતાં ૨૦૨૦માં ભારતમાં  મંદી જોવા મળી રહી છે. UNCTAD મુજબ ૨૦૨૦માં અમેરિકાના અર્થતંત્રમાં ૫.૪ ટકાનો ઘટાડો જોવા મળશે જ્યારે ૨૦૨૧માં અમેરિકાના જીડીપીમાં ૨.૮ ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલ મુજબ ચીનના જીડીપીમાં ચાલુ વર્ષે ૧.૩ ટકા અને ૨૦૨૧મા ૮.૧ ટકાની વૃદ્ધિ જોવા મળશે. જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે હશે. વિકાસશીલ દેશોમાં ૯ થી ૧૨ કરોડ લોકો અત્યંત ગરીબીમાં ધકેલાઇ જશે અને ૩૦ કરોડ લોકોને ખાદ્ય અસલામતીનો સામનો કરવો પડશે.

(9:04 pm IST)