મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

દરેક છીંક કોરોનાની નથી હોતીઃ સામાન્‍ય શરદી-ફલુ અને કોરોનાના લક્ષણો અંગે બ્રિટીશ સ્‍વાસ્‍થ્‍ય સેવાના નિર્દેશો જારી

નવી દિલ્હી: આ એક નાની પણ ખુબ મહત્વપૂર્ણ જાણકારી છે. હાલના સમયમાં કે જ્યારે કોરોનાનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી બેઠું છે ત્યારે એક નાનકડી ગેરસમજ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તમે સામાન્ય શરદીને કોરોના સમજી બેઠા કે પછી કોરોના સંક્રમણને સામાન્ય શરદી સમજો...બંને સ્થિતિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આવો જાણીએ કે કોરોના વાયરસ, શરદી અને ફ્લૂમાં સામાન્ય ફરક શું છે.

બ્રિટિશ સ્વાસ્થ્ય સેવાના નિર્દેશ

આ જાણકારી વિશ્વ આરોગ્ય સંગઠનના નિર્દેશ પર બ્રિટિશ સ્વાસ્થ્ય સેવા દ્વારા બહાર પાડવામાં આવી છે. કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણ સાધારણ શરદી-ઉધરસ અને ફ્લૂ જેવા જોવા મળે છે. હવે ઠંડીની ઋતુ શરૂ થશે ત્યારે આવામાં સામાન્ય ફ્લૂ અને શરદી ઉધરસ પણ ડરામણા સાબિત થઈ શકે છે. જો તમને વાસ્તવિક સ્થિતિ ખબર ન હોય ત્યારે એવી સ્થિતિમાં કોરોના સંક્રમણનો સંકેત આપનારા લક્ષણોની જાણકારી તમને હોવી ખુબ જરૂરી છે.

કોરોનાના મુખ્ય લક્ષણો

જોકે કોરોના ક્યારેક ક્યારેક Asymptomatic (લક્ષણો રહિત) હોવાના કારણે લક્ષણો દેખાડતો નથી પરંતુ જ્યાં કોરોનાના લક્ષણો જોવા મળે છે ત્યાં ધ્યાન આપનારી વાત એ છે કે કોરોનાના દર્દીને છીંક નથી આવતી, આ સાથે જ તેને નાક ગળવાની કે નાક બંધ થવાની ફરિયાદ પણ નથી થતી. કોરોનાના દર્દીને મોટાભાગે ડાયેરિયા પણ થતો નથી. આથી આ લક્ષણો તમને જોવા મળે તો નિશ્ચિત રહો. તમને કોરોના હોઈ શકે નહીં. પરંતુ વધુ સમય સુધા આ લક્ષણો  રહે તો તમારે કોરોના ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.

ફ્લૂના સામાન્ય લક્ષણો

તમને ફ્લૂ છે તે તમને કેવી રીતે ખબર પડી શકે. જો તમને તાવ ન હોય, આ સાથે જ થાકનો અનુભવ તો નથી થતો ને. આ બંને જ લક્ષણ ફ્લૂના સામાન્ય લક્ષણ છે. ફ્લૂમાં સામાન્ય રીતે છીંક નથી આવતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. ફ્લૂમાં સૂકી ઊધરસ થાય છે અને માથાનો દુ:ખાવો એક સામાન્ય લક્ષણ છે.

કોરોનાના સામાન્ય લક્ષણ

જો તમને તાવ હોય અને સતત તાવ આવતો હોય તો તમારે તરત ટેસ્ટ કરાવવો જોઈએ. આ સ્થિતિ કોરોનાનું એક સામાન્ય લક્ષણ છે. એ જ રીતે જો તમને અચાનક સ્વાદ આવતો બંધ થઈ જાય તો આ લક્ષણ પણ સારું નથી કારણ કે તે કોરોનાનું સામાન્ય લક્ષણ છે. તમારે કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે.

(5:03 pm IST)