મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

શેરબજાર તૂટતાં રોકાણકારોના ૧૧ લાખ કરોડનું ધોવાણ થયું

વિશ્વમાં કોરોના વધતા કહેરની વચ્ચે શેરબજારમાં ભારે અફરાતફરી : સેન્સેક્સમાં ૧૧૦૦ અને નિફ્ટીમાં ૩૨૬ પોઈન્ટનું ભારે ગાબડું, બજારના ૬ઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં લગભગ ૨૭૫૦ પોઇન્ટનું મોટું ગાબડું

નવી દિલ્હી, તા. ૨૪  :વૈશ્વિક શેરોમાં તીવ્ર વેચવાલી, કોવિડ -૧૯ ના વધતા જતા કેસો અને વિદેશી ભંડોળના ભારે પ્રવાહના પગલે શેરબજારમાં અફરાતફરી મચી ગઈ છે. છેલ્લા છ સત્રમાં બજાર સતત ઘટ્યું છે અને આને લીધે રોકાણકારોના ૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુ ડૂબી ગયા છે. આ ૬ ટ્રેડિંગ સેશન્સમાં બીએસઈ સેન્સેક્સ લગભગ ૨૭૫૦ પોઇન્ટ એટલે કે ૭% તૂટ્યો છે. ગુરુવારે, તે ૧૧૦૦ પોઇન્ટથી નીચે ઘટીને ૩૬,૫૫૩ ની સપાટીએ બંધ રહ્યો હતો. નબળા માર્કેટ સેન્ટિમેન્ટને કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ ઘટીને રૂ .૧૪૮.૮૫ લાખ કરોડ થયું છે, જે ૧૬ સપ્ટેમ્બરના રોજ રૂ. ૧૬૦.૦૮ લાખ કરોડ હતું. આઈઆઈએફએલ સિક્યોરિટીઝના હેડ ઓફ રિસર્ચ અભિમન્યુ સોફાતે જણાવ્યું હતું કે, "બજાર વધુ નીચે આવી શકે છે.

              સ્કોટલેન્ડ અને બ્રિટને કહ્યું છે કે તેઓ લોકડાઉન કરવાનું વિચારી રહ્યા છે. એવી આશંકાઓ છે કે ઘણા વધુ દેશો લોકડાઉન લાદી શકે છે. આને કારણે બજારમાં ગભરાટનો માહોલ છે. બીએસઈનો ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૧૧૧૪.૮૨ પોઈન્ટ એટલે કે ૨.૯૬ ટકા તૂટીને ૩૬,૫૫૩.૬૦ પર બંધ થયો છે. એનએસઈ નિફ્ટી પણ ૩૨૬.૩૦ એટલે કે ૨.૯૩ ટકાના ઘટાડા સાથે, ૧૦૮૦૫.૫૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવર સિવાય, સેન્સેક્સના તમામ શેરમાં ઘટાડો થયો છે. ઈન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ ૭ ટકાનો ઘટાડો થયો છે. બજાજ ફાઇનાન્સ, એમએએમ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ટાટા સ્ટીલ સૌથી વધુ ઘટાડામાં હતા.

નિફ્ટીની ૪૯ કંપનીઓના રોકાણકારોએ છેલ્લા ૬ સત્રોમાં નાણાં ગુમાવ્યા છે. ઇન્ડસઇન્ડ બેક્ન, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ભારતી ઇન્ફ્રાટેલ અનુક્રમે ૨૧ ટકા, ૧૯ ટકા, ૧૫ ટકા અને ૧૪.૨૦ ટકા ઘટાડો આવ્યો છે. બીજી તરફ, ફક્ત ડો. રેડ્ડીના શેરમાં ૯.૩૦ ટકાની તેજી આવી છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત થવાની ચિંતા અને કેન્દ્રીય બેક્નો તરફથી નવા પ્રોત્સાહનોના અભાવને લીધે વૈશ્વિક બજારોમાં વેચવાલીનો સિલસિલો શરૂ થયો હતો.. આ સિવાય અનેક અર્થવ્યવસ્થાઓમાં કોવિડ -૧૯ ના બીજા રાઉન્ડની સંભાવનાથી પણ ધારણાને અસર થઈ હતી. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૩૨ પૈસા તૂટીને ૭૩.૮૯ રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યો છે. દરમિયાન, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ ૦.૨૨ ટકા તૂટીને ૪૧.૬૮ ડોલરના સ્તરે સ્થિર થયું છે.

સ્થાનિક શેરબજારમાં વેચવાલી અને વિદેશી ભંડોળના ઉપાડથી રોકાણકારોની ભાવનાને અસર થઈ, ગુરુવારે ડોલર સામે રૂપિયો ૩૨ પૈસા તૂટીને ૭૩.૮૯ (કામચલાઉ) ની સપાટીએ બંધ રહ્યો. ઇન્ટરબેક્ન વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો નબળો પડીને ૭૩.૮૨ ની સપાટીએ રહ્યો હતો અને અંતે રૂપિયો ૩૨ પૈસા તૂટીને અગાઉના બંધની તુલનાએ ૭૩.૮૯ ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો એક પૈસા વધીને ૭૩.૫૭ ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન રૂપિયો ૭૩.૭૫ ની ઊંચી સપાટી અને ૭૩..૯૬ ની નીચી સપાટીએ જોવા મળ્યો છે. ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે છ મોટા વૈશ્વિક ચલણ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ ૦.૦૪ ટકા વધીને ૯૪.૪૨ થયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે ૩,૯૧૨.૪૪ કરોડ રૂપિયાના ચોખ્ખા શેર વેચ્યા હતા. વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો ૦.૭૭ ટકા ઘટીને ૪૧.૪૫ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(9:07 pm IST)