મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

કૃષિ બાદ શ્રમિક બિલ મુદ્દે કેન્દ્ર પર પ્રહાર

ખેડૂતો બાદ શ્રમિકો પર વાર :ગરીબોનું શોષણ, મિત્રોનું પોષણઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.૨૪: કૃષિ બાદ શ્રમિક બિલ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ખેડૂતો બાદ હવે શ્રમિકો પર વાર કરાયો છે. ગરીબોનું શોષણ, મિત્રોનું પોષણ કરાઈ રહ્યું છે. આ જ છે બસ મોદીજીનું શાસન. ગઇકાલે સંસદે શ્રમ સુધારા બિલને મંજૂરી આપી છે. જેને અંતર્ગત રાહુલે આ પ્રહાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે નવા કૃષિ બિલના વિરોધમાં રાહુલે ટ્વીટ કરી કહ્યું હતુ કે, ૨૦૧૪માં મોદીજીએ MSPને લઇ ચૂંટણી વાયદો કર્યો. સરકારે સ્વામિનાથન કમિશનવાળું MSPનો વાયદો કર્યો હતો. એ બાદ ૨૦૧૫માં મોદી સરકારે કોર્ટમાં કહ્યું,અમારાથી નહીં થાય. તેમજ રાહુલે કહ્યું કે ૨૦૨૦માં કાળો ખેડૂત કાયદો બનાવ્યો જેમાં મોદીજીની નિયત સાફ છે. કૃષિ વિરોધી નવો પ્રયાસ છે. ખેડૂતોને મૂળથી સાફ કરીને મૂડીવાદી મિત્રોનો ખુબ વિકાસ કરવાનો છે.

ત્યારે કૃષિ બિલ મુદ્દે કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે વિપક્ષ પર કર્યો પલટવાર કર્યો છે. જેમાં તોમરે કહ્યું છે કે વિપક્ષ પોતાના ફાયદા માટે ખેડૂતોને ભ્રમિત કરી રહ્યું છે. મનમોહનસિંહ-શરદ પવાર સુધારો લાવવા ઇચ્છતા હતા. કેટલાક લોકોના દબાણથી મનમોહનસિંહ સુધારા ન કરી શકયા.

(12:53 pm IST)