મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

આસામમાં અભ્યાસક્રમ ૩૦ ટકા સિલેબસ ઘટાડાયો પણ

નહેરૂ-મંડલ પંચ -અયોધ્યા -ગુજરાત-શિખ રમખાણો વગેરે ટોપિકની બાદબાકી

ગૌરતી,તા. ૨૪: કોરોના મહામારીના લીધે કેન્દ્રની સાથે સાથે ઘણી રાજ્ય સરકારોએ રાજ્ય શિક્ષણ બોર્ડને પોતાનો પાઠ્યક્રમ ઘટાડવા અંગે કહ્યું છે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં થયેલ નુકસાનની ભરપાઇ થઇ શકે. આસામ રાજ્ય શિક્ષણ બોર્ડ પણ તેને ધ્યાનમાં રાખીને પોતાના ધોરણ-૧૨ના સીલેબસને ૩૦ ટકા જેટલો ઓછો કર્યો છે. જો કે બોર્ડે જે ટોપીક આ વર્ષે ન ભણાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં જવાહરલાલ નેહરૂ, મંડલ કમિશન રિપોર્ટ ૧૯૮૪ અને ૨૦૦૨ના ગુજરાત રમખાણ જેવા મહત્વના ટોપીકો સામેલ છે.

આસામની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સીલે આ સત્ર માટે સીલેબસમાંથી હટાવી દેવાયેલ ટોપીકનું લીસ્ટ હાલમાં જ પોતાની વેબસાઇટ પર મુકયું છે. અધિકારીઓનું કહેવું છે કે જે ટોપિક સીલેબસમાં સામેલ કરાયા છે તે શિક્ષકો અને રાજ્યમાં જે તે વિષયના જાણકારો સાથે સલાહ સૂચન પછી જ રખાયા છે.

રાજનીતિ વિજ્ઞાન વિષયમાં જે ટોપીકસ હટાવાયા છે તેમાં ભારતમાં સ્વતંત્રતા પછીની રાજનીતિના સેકશનમાંથી પહેલી ત્રણ સામાન્ય ચુંટણીઓ, દેશને બનાવવામાં પહેલા વડાપ્રધાન નેહરૂની વિચારધારા, નેહરૂની વિદેશનીતિ, નેહરૂ પછી રાજકીય ઉતરાધિકાર, પંચવર્ષીય યોજનાઓનો ખાત્મો જેવા મહત્વના ટોપીકસ સામેલ છે.

આ સિવાય અન્ય જે ટોપીક સીલેબસમાંથી કઢાયા છે. તેમાં ગરીબી હટાઓનું રાજકારણ, ગુજરાતનું નવનિર્માણ આંદોલન, પંજાબ સંકટ અને ૧૯૮૪ના શીખ દંગા, મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ થવો. યુનાઇટેડ ફંટ અને અનડીએ સરકારો ૨૦૦૪ની ચુંટણી અને યુપીએ સરકાર, અયોધ્યા વિવાદ અને ૨૦૦૨ના ગુજરાત રમખાણો સામેલ છે.

(12:50 pm IST)