મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

CAGનો રિપોર્ટ

રાફેલ બનાવનારી કંપનીએ પૂરૃં નથી કર્યું પોતાનું વચન

ભારતીય નિયમ મુજબ, કંપનીએ કુલ કરારના ૩૦ ટકા ભારતમાં ખર્ચ કરવાના હતા : જે ખર્ચ કરવામાં આવ્યો નથી

નવી દિલ્હી,તા.૨૪:રાફેલ ડીલને લઈને વિપક્ષ પહેલેથી જ સરકારને ઘેરવાનો પ્રયાસ કરતો રહ્યો છે. ડિફેન્સ ઓફસેટ પર રિલીઝ કરાયેલી CAG રિપોર્ટમાં કહેવાયું છે કે, ૩૬ રાફેલની ડીલના ઓફસેટ કોન્ટ્રકટની શરૂઆતમાં (સપ્ટેમ્બર ૨૦૧૫) એવો પ્રસ્તાવ હતો કે, ડીઆરડીઓને હાઈ ટેકનોલોજી આપી વેન્ડર પોતાનો ૩૦ ટકા ઓફસેટ પૂરો કરશે. પરંતુ, હજુ સુધી ટેકનોલોજી ટ્રાન્સફર કન્ફર્મ નથી થયું. ડીઆરડીઓને આ ટેકનોલોજી સ્વદેશી લાઈટ કોમ્બેકટ એરક્રાફ્ટ તેજસ માટે એન્જિન (કાવેરી) ડેવલપર કરવા માટે જોઈતી હતી. હજુ સુધી વેન્ડર્સએ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કન્ફર્મ નથી કરી.

કેગએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી જોઈએ છે તેવું પરિણામ નથી મળી રહ્યું, એટલે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે. જયાં સમસ્યા આવી રહી છે, તેની ઓળખ કરી તેનું સમાધાન શોધવાની જરૂર છે.

દસો એવિએશનએ રાફેલ જેટ બનાવ્યા છે અને MBDAએ તેમાં મિસાઈલ સિસ્ટમ લગાવી છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં કેગએ કહ્યું કે, એવો કેસ નથી મળ્યો કે જેમાં કોઈ વિદેશી વેન્ડર મોટી ટેકનોલોજી ભારતને આપી રહ્યો હોય. ૨૯ જુલાઈએ ભારતને ૫ રાફેલ વિમાન મળ્યા છે. ફ્રાંસની સાથે ૩૬ વિમાનોની ડીલ ૫૯ હજાર કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. ભારતની ઓફસેટ પોલિસી મુજબ વિદેશી એન્ટિટીએ કરારના ૩૦ ટકા ભારતમાં રિસર્ચ કે ઉપકરણોમાં ખર્ચ કરવાના હોય છે. તે દર ૩૦૦ કરોડ કે તેથી વધુના ઈમ્પોર્ટ પર લાગુ થાય છે.

તેના માટે ફ્રીમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને ભારતની પ્રોડકટ પણ ખરીદી શકાય છે. ઓડિટરે કહ્યું કે, વેન્ડર પોતાના ઓફસેટ કમિટમેન્ટને પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે. કેગએ કહ્યું કે, સંરક્ષણ મંત્રાલયે પોતાની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. કેગએ કહ્યું કે, ૨૦૦૫થી ૧૮ સુધી વિદેશી કંપનીઓની સાથે ૪૮ કરાર સાઈન કર્યા હતા કે જે કુલ ૬૬,૪૨૭૭ કરોડના હતા. ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૧૯,૨૨૩ કરોડના ઓફસેટ ટ્રાન્સફર થવાના હતા, પરંતુ માત્ર ૧૧,૨૨૩ કરોડ જ ટ્રાન્સફર કરાયા. તે વચનના માત્ર ૫૯ ટકા છે.

ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલને લઈને વિપક્ષના નેતાઓ ખાસ કરીને રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં તેમણે રાફેલ ડીલને મોટો મુદ્દો બનાવ્યો હતો અને પોતાની દરેક સભામાં આ સોદાને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યા હતા.

(11:29 am IST)