મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

નોકરી ગઈ તો ૨ દોસ્તોએ શરૂ કર્યો ટિફિન બિઝનેસઃ આજે ૩ રેસ્ટોરાંના છે માલિક

હવે બંને મિત્રો અયોધ્યાથી આગળ વધીને પોતાનો ધંધો વધારવા માગે છેઃ તે ફ્રેન્ચાઇઝી મોડેલમાં જઇને રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે

લખનૌ,તા.૨૪: કોરોનાકાળમાં ઘણાં લોકોને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. નોકરી ચાલી જવાનું દુઃખ એ જ જાણી શકે છે. જેની જરુરિયાત ઘણી હોય અને નોકરી કરી હોય. નોકરી મેળવવા માટે અનેક ધક્કા ખાધાં હોય અને પછી નોકરી મળી હોય અને નોકરી ચાલી જાય તો? Show must Go On.. યુપીના અયોધ્યાના બે દોસ્તો. સુલતાન અને રોહિત. એક હિન્દુ, બીજો મુસ્લિમ* પણ તે પહેલાં બન્ને સારા દોસ્ત. બંને એક જ ટેલિકોમ કંપનીમાં કામ કરતા હતા પણ નોકરી છૂટી ગઈ. મેનેજર લેવલનું કામ કરતા હતા પરંતુ જો નોકરી જવાની હોય તો તમે રોકી શકતા નથી. નોકરી ગયા પછી તેમણે નક્કી કર્યું કે કંઈક કરવું જોઈએ. પછી તેમણે ફરીથી ટિફિનનો ધંધો શરૂ કર્યો. આજે બંને ત્રણ રેસ્ટોરન્ટના માલિક છે.

નોકરી ગયા પછી બંનેએ પોતાનું કામ કરવાનું વિચાર્યું. ઓગસ્ટ ૨૦૧૮માં તેમણે પોતાની ટિફિન સેવા શરૂ કરી હતી. તેમણે આ સેવાને 'ઘર જૈસા' નામ આપ્યું. સુલતાને કહ્યું હતું કે શરૂઆત ખૂબ જ મુશ્કેલ હતી. લોકોને મળીને તેમને ઘણું જ સમજાવવું પડ્યું. પછી જઈને ઓર્ડર મળતા હતા. તેમણે સંપૂર્ણ બચત આ વ્યવસાયમાં જ લગાવી હતી. જોકે, શરુઆતમાં પ્રતિસાદ એટલો સારો નહોતો મળતો. આખરે તેમને લોન પણ લેવી પડી અને મિત્રોની મદદ પણ લીધી.

ટિફિન સેવા ધીરે ધીરે શરૂ થઈ. લોકોને ભોજન ગમવા લાગ્યું. જે પછી તેમણે 'ઘર જૈસા' નામની પ્રથમ રેસ્ટોરન્ટ ખોલી. ફૈઝાબાદના નાકા રોડ પર માત્ર ૮૦ ચોરસફૂટની દુકાન હતી. આ વિસ્તાર ટ્રાન્સપોર્ટ માટે જાણીતો છે. અહીં ટ્રકો ઉભી રહેતી. આ બંનેને પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી. સુલતાને કહ્યું હતું કે,'અમે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા છીએ. અમે જાણતા હતા કે જો વધુ સારી સેવા આપવામાં આવે તો ધંધામાં વધારો થઈ શકે છે. તેથી અમે સર્વિસ અને બ્રાન્ડિંગ પર તમામ ભાર મૂકયો છે.'તેણે સોશિયલ મીડિયાની પણ ખૂબ જ મદદ લીધી હતી.

ત્યાં સુધી કે તેમણે યુટ્યુબ પરથી જુદા જુદા રાજયોની વાનગીઓ પણ શીખી. જેમ જેમ લોકોને તેનો સ્વાદ પસંદ આવવા લાગ્યો, તેમ તેમ રેસ્ટોરન્ટમાં ઘરાકો પણ વધવા લાગ્યાં. રોહિતે કહ્યું કે, આ રેસ્ટોરન્ટમાં લગભગ ૩૫ લોકો કામ કરે છે. ઘણા એવા પણ લોકો છે, જેઓ જૂની કંપનીમાં કામ કરતા હતા પાછળથી તેમણે પણ નોકરી ગુમાવી. તેઓ પણ બેકાર બન્યા હતાં. બંને મિત્રોએ તેમને પણ કામ કરવાની તક આપી.

જોકે, પછી દેશમાં લોકડાઉન થયું હતું અને સ્થિતિ બગડતી ગઈ. પરંતુ અનલોક પછી જીવન ફરી પાટા પર પાછું આવી રહ્યું છે. હવે બંને મિત્રો અયોધ્યાથી આગળ વધીને પોતાનો ધંધો વધારવા માગે છે. તે ફ્રેન્ચાઇઝી મોડેલમાં જઇને રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. તેઓ માને છે કે તેઓ તેમની સફળતા અન્ય લોકો સાથે શેર કરવા માગે છે તેમજ વધુને વધુ લોકોને રોજગારી આપવા ઈચ્છે છે. સુલતાન અને રોહિતનો સંઘર્ષ કહે છે કે નોકરી ભલે ગુમાવી હોય પરંતુ મહેનત ન ગુમાવવી જોઈએ.

(11:25 am IST)