મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

કોરોનાની વેકસીન બનાવવાના અંતિમ ચરણમાં અમેરિકી કંપની : ટ્રમ્પ

અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સને કોરોનાની વેકસીન બનાવવાની દિશામાં વધુ એક ઉપલબ્ધી પ્રાપ્ત કરી : કંપનીએ અંતિમ ચરણનું પરિક્ષણ શરૂ કર્યુઃ ટ્રમ્પનો આશાવાદ છે કે ટુંક સમયમાં સારા સમાચાર મળશે : કંપની પણ ટુંક સમયમાં જ વેકસીન અંગે ધડાકો કરવાના મૂડમાં

વોશિંગ્ટન તા. ૨૪ : અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સને કોરોનાની વેકસીન બનાવવાની દીશામાં એક ઉપલબ્ધી મેળવી લીધી છે. કંપનીએ જાહેરાત કરી છે કે એક સ્વયંસેવક કે જેણે રસી લગાવવામાં આવી હતી તે હવે તબીબી પરિક્ષણોના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. વ્હાઇટ હાઉસમાં આયોજીત પ્રેસ વાર્તા દરમિયાન આ અંગેની માહિતી આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, જોન્સન એન્ડ જોન્સન કંપનીએ અમને જણાવ્યું છે કે, તેનો સ્વયંસેવક રસીના તમામ પરિક્ષણોના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આ અમેરિકામાં ચોથો સ્વયંસેવક જે અંતિમ તબક્કાની ટ્રાયલમાં પહોંચેલ છે. તેમણે કહ્યું હતું કે અમે અમેરિકાના અન્ય નાગરિકોને અપિલ કરીએ છીએ કે તેઓ વેકસીનના પરિક્ષણોની ઉમેદવારી માટે આગળ આવે.

દરમિયાન કંપનીએ કહ્યું છે કે, પ્રથમ ચરણમાં પોઝિટિવ રીઝલ્ટ મળ્યા બાદ હવે કોરોના વેકસીનના ત્રીજા અને અંતિમ ચરણના પરિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યા છે. અમેરિકી નેશનલ ઇન્સ્ટીટયૂટ ફોર હેલ્થના જણાવ્યા પ્રમાણે ટ્રાયલ માટે અમેરિકા સહિત વિશ્વભરમાં ૨૦૦થી વધુ જગ્યાએ લગભગ ૬૦ હજાર લોકોની ભરતી કરવા પ્રયાસ થશે.

આ સાથે જ જોન્સન એન્ડ જોન્સન કોરોના વાયરસની વિરૂધ્ધ રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણ કરવાવાળી વિશ્વની ૧૦મી અને અમેરિકાની ચોથી કંપની બની છે. કંપનીએ કહ્યું છે કે, દવા અસરકારક સાબિત થઇએ ૨૦૨૧ સુધીમાં સ્વીકૃતિ માટે તૈયાર થઇ જશે.

કંપનીના અધ્યક્ષ એલેકસ ગોસ્કીએ કહ્યું છે કે, કોવિડ-૧૯ વિશ્વભરના લોકોના જીવનને અસર કરે છે. અમારૂ એક જ લક્ષ્ય છે કે, મહામારીને સમાપ્ત કરવામાં મદદ કરવી. અમારી કંપની સતત આ કામમાં જોડાયેલી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ સામે આવ્યાના ૮ મહિના બાદ અમેરિકાની ૪ કંપની વેકસીન બનાવવાની દિશામાં ત્રીજા ચરણના પરિક્ષણમાં પહોંચી ગઇ છે જે એક ઉપલબ્ધી છે.

કોરોનાની રિકવરીમાં બની રહ્યો છે રેકોર્ડ : ભારતમાં સતત પાંચમાં દિવસે નવા કેસ કરતા વધુ લોકો સાજા થયા

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રોજ પોઝિટિવ કેસ ખોફનાક રેકોર્ડ બનાવે છે પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર છે. રાહતની વાત એ છે કે છેલ્લા પાંચ દિવસ સતત કોરોનાથી સાજા થનારાની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સત્તાવાર આંકડા મુજબ સતત પાંચ દિવસમાં દેશમાં રોજ સામે આવેલા પોઝિટિવ કેસથી વધુ રિકવરી જોવા મળી રહી છે. પાંચ દિવસના ડેટા અનુસાર ભારતમાં રિકવરી થનારા લોકોની સંખ્યા વધી છે. ૧૯ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં નવા કેસ કરતા વધુ લોકો સાજા થયા છે

(11:20 am IST)