મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

દેશમાં કોવિડ-૧૯ ટેસ્ટિંગની ક્ષમતા વધી ૧૨ લાખે પહોંચી

કોરોના સામે બાથ ભિડવા ભારતનો આક્રમક પ્રયાસઃ દેશમાં હજુ સુધીમાં ૬.૫ કરોડ કરતા વધુના ટેસ્ટ કરાયા

નવી દિલ્હી, તા. ૨૩: ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગની ક્ષમતા સતતમાં સતત વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે આંકડો ૧૨ લાખને પાર પહોંચ્યો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું છે. ભારતમાં જે રીતે કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે તેના પર કાબૂ મેળવવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને જેના કારણે વાયરસ એકથી બીજી વ્યક્તિ સુધી ફેલાતો અટકાવી શકાય. જે દેશોએ કોરોના વાયરસ પર કાબૂ મેળવી લીધો છે ત્યાં પણ હવે બીજો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ટ્વીટમાં જણાવ્યું છે કે, ભારતમાં રોજની કોરોના ટેસ્ટની ક્ષમતા ૧૨ લાખ કરતા વધી ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં ૬.૫ કરોડ કરતા વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા વધવાથી વહેલી તકે પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકે છે, અને પોઝિટિવિટી રેટ્સમાં પણ ઘટાડો થાય છે.

મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારતના કુલ સરેરાશ ટેસ્ટ કરતા સારા પ્રમાણમાં ટીપીએમ (ટેસ્ટ પર મિલિયન) પ્રોસેસ કરાય છે જેના કારણે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલાયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૧.૬ કરોડ કરતા વધુ પ્રવાસી મજૂરો કોરોના કાળમાં કામના સ્થળેથી રવાના થયા છે. આ મજૂરો પોતાના કામના સ્થળેથી પોતાના વતન પરત ફર્યા છે. આ શ્રમિકો હવે ધીમે-ધીમે પોતાના કામના સ્થળો પર પરત ફરી રહ્યા છે, જોકે, કોરોના વાયરસના ડરના કારણે ઘણાં શ્રમિકો હમણાં કામ પર જવાનું ટાળી રહ્યા છે અને પોતાના ગામમાં અન્ય કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.

ભારતમાં દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કેસમાંથી ૧૭.૭% કેસ છે, જ્યારે સાજા થયેલા દર્દીઓમાં ભારતની ટકાવારી ૧૯.૫% છે. જર્મનીમાં ફરી કોરોના કેસ સામે આવી રહ્યા છે જેમાં આરકેઆઈ (રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટ) મુજબ વધુ ૧,૭૬૯ પોઝિટિવ કેસ આવતા કુલ સંખ્યા ૨,૭૫,૯૨૭ પર પહોંચી છે.

(10:01 pm IST)