મુખ્ય સમાચાર
News of Tuesday, 24th September 2019

કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોને મળશે ગ્રેચ્યુઇટી

સામાજીક સુરક્ષા વિધેયક સંહિતા ર૦૧૯માં કરાઇ જોગવાઇઃ હાલમાં પાંચ વર્ષથી વધુ નોકરી કરનાર કામદારને મળે છે ગ્રેચ્યુઇટી

નવી દિલ્હી તા. ર૪: નિશ્ચીત સમયગાળા માટે કોન્ટ્રાકટ પર કામ કરતા કામદારોને પ વર્ષની નોકરી પુરી થયા પહેલા જ ગ્રેચ્યુઇટીનો લાભ મળી શકે છે. સરકારે પ્રસ્તાવિત સામાજિક સુરક્ષા વિધેયક સંહિતા ર૦૧૯માં આ જોગવાઇ કરી છે. આ ખરડો ગયા અઠવાડીયે લોકોના સુચનો માટે બહાર પડાયો હતો. હાલની વ્યવસ્થા હેઠળ ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ ૧૯૭ર અનુસાર કામદારોને સતત પાંચ વર્ષની નોકરી પુરી કર્યા પહેલા ગ્રેચ્યુઇટી નથી મળતી, હાલના કાયદામાં પાર્ટટાઇમ, કોન્ટ્રાકટ, ટેમ્પરરી અને પરમેનન્ટ કર્મચારીઓ વચ્ચે કોઇ ફરક નથી ગણવામાં આવતો.

પ્રસ્તાવિત સામાજીક સુરક્ષા વિધેયક સંહિતામાં સરકારે નિશ્ચીત અવધિના રોજગારને કામની એક શ્રેણી તરીકે સામેલી કરવાની જોગવાઇ કરી છે. જોગવાઇ અનુસાર કામદારનું મોત અથવા વિકલાંગતા અથગવા તેનો કોન્ટ્રાકટ પુરો થવાની સ્થિતિમાં પ વર્ષનો સમયગાળો લાગુ નહીં પડે. બીજી બધી શ્રેણીના કામદારોને આ સુવિધા નહીં મળે. શ્રમ અર્થશાસ્ત્રી અને એકસ એલ.આર.આઇ. જમશેદપુરમાં પ્રોફેસર એવા કે આર. શ્યામ સુંદરે કહ્યું કે આ સમાચાર કામદાર અને તેને નિયુકત કરનાર બન્ને માટે સારા છે. આ પગલાથી કામદારો કોન્ટ્રાકટ આધારિત રોજગારનો વિકલ્પ અપનાવવા પ્રેરિત થશે કેમકે તેનાથી નિયમીત મજૂરીની વ્યવસ્થાને ટક્કર મળશે. બીજી બાજુ નિયુકિત આપનારાઓને કોન્ટ્રાકટ પર કામ કરનારા કામદારો મળી રહેશે.

(11:24 am IST)