મુખ્ય સમાચાર
News of Monday, 24th September 2018

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ : ભારતીય સેનાના હેલિકોપ્ટરથી કુલુમાં ફસાયેલા ૧૯ને બચાવાયા

હિમાચલ પ્રદેશના મનાલીને જમ્મુ-કાશ્મીરના લેહ સાથે જોડતા નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ

શિમલા તા. ૨૪ : હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના દોબીમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા ૧૯ લોકોને ભીરતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરથી બચાવી લેવાયા છે. સરકારી પ્રવકતાએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન જયરામ ઠાકુરના નિર્દેશ પર હેલિકોપ્ટરથી ૧૯ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કુલુ, ચંબા, કિન્નોર અને લાહોલ-સ્પીતિ વિસ્તારોમાં ભયંકર પૂર આવ્યું છે. આ ભયંકર સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરીને મુખ્યપ્રધાને અધિકારીઓને જાનમાલના નુકસાનને ઓછું કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા આદેશ જારી કર્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બેઠકમાં જ કોકસરમાં ફસાયેલા ૧ર૦ લોકોને બચાવી લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. મરી અને રોહતાંગ ખાતેથી પણ ર૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન હિમાચલ પ્રદેશના ૧ર જિલ્લાઓમાંથી નવ જિલ્લામાં આજે પણ તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં ફસાયેલા ર૩ લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ના એક અધિકારીએ આ માહિતી આપી હતી. લેફટનન્ટ કર્નલ ડી.એસ. બિષ્ટે જણાવ્યું હતું કે ભારે બરફવર્ષા બાદ રોહતાંગ પાસ બંધ થઈ જવાના કારણે આ ર૩ લોકો ફસાઈ ગયા હતા.

હિમવર્ષાના કારણે હિમાચલ પ્રદેશના મનાલીને જમ્મુ-કાશ્મીરના લેહ સાથે જોડતાં નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.

હિમાચલના કુલુ-મનાલીમાં વ્યાસ નદીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ૧૯૯પ બાદ પહેલી વખત આવું વિનાશક પૂર કુલુ અને મનાલી પર ફરી વળ્યું છે. સ્થાનિક તંત્રએ વ્યાસ નદીની આસપાસના વિસ્તારમાં અને ઝૂંપડીઓમાં રહેતા લોકોને ઊંચાઈવાળા સ્થળ પર ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ આગામી ર૪ કલાક સુધી દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની શકયતા છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર શિમલા, સિરમોર, કાંગડા, કુલુ, ચંબા, મંડી, સોલન અને હમીરપુર જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજયના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં ચોમાસું વધુ આક્રમક બન્યું છે. મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે બચાવ કામગીરી ખોરંભે ચડી છે.(૨૧.૨૯)

(3:42 pm IST)