મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

વરરાજાના પરિવારે દહેજમાં માગ્યો ૨૧ નખવાળો કાચબો અને લેબ્રાડોર કૂતરો : પોલીસે નોંધી FIR

સૈન્ય જવાન અને તેના પરિવારના પાંચ સભ્યો પર દહેજ માંગવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો છે : સગાઇમાં કન્યાના માતા-પિતાએ છોકરાને ૧૦ ગ્રામની સોનાની વીંટી અને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા

ઔરંગાબાદ,તા. ૨૪: આજે પણ આપણા દેશમાં કયાંકને કયાંક દહેજ લેવાની પરંપરા જોવા મળે છે. દહેજને કારણે બંને પરિવાર વચ્ચે અવારનવાર ઝદ્યડો થતો રહે છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જોવા મળ્યો હતો. નાસિકમાં રહેતા એક સૈન્ય જવાન અને તેના પરિવારના પાંચ સભ્યો પર ઔરંગાબાદ શહેરના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં ૨૧-નખવાળો કાચબો અને એક લેબ્રાડોરને દહેજ તરીકે માંગવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો છે.

યુવતીના પિતાનું કહેવું છે કે તેના એક સંબંધીએ યુવતીના લગ્ન વિશે વાત કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં તેમની પુત્રીની સગાઈ ઔરંગાબાદના રામનગર વિસ્તારમાં સ્થિત મેરેજ હોલમાં સગાઇ કરી હતી. સગાઇમાં કન્યાના માતા-પિતાએ છોકરાને ૧૦ ગ્રામની સોનાની વીંટી અને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

યુવતીના પિતાએ કહ્યું કે તે દહેજની વિરુદ્ઘ છે, પરંતુ તેણે નક્કી કર્યું છે કે તેની પુત્રીની ખુશી માટે તે થોડી રકમ દહેજ આપશે. યુવતીની સગાઈ ઔરંગાબાદ સ્થિત એક હોલમાં થઈ હતી. સગાઇ બાદ વરરાજાના પરિવારજનોએ યુવતીના પિતા પાસે ૨૧ નખવાળો કાચબો, એક લેબ્રાડોર અને છોકરીની સરકારી નોકરી માટે ૧૦ લાખની માંગ કરી હતી.

યુવતીના પિતાનું કહેવું છે કે તેમની દીકરીએ મહારાષ્ટ્રની સ્પર્ધાત્મક પરીક્ષામાં તલાટીની પરીક્ષા આપી હતી અને તેનું નામ હજુ સુધી વેઇટિંગ લિસ્ટમાં સામેલ થવાનું બાકી છે. યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી આ મુદ્દો ચાલી રહી છે, પરંતુ પોલીસમાં ફરિયાદ કર્યા પછી પણ ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનને કોઈ પણ રીતે મદદ કરી ન હતી. જયારે પીડિતાના પરિવારજનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી ત્યારે દહેજની માંગણી કરનારાઓ વિરુદ્ઘ એફઆઈઆર નોંધાવી હતી.

કેસ નોંધાયા બાદ હવે યુવતીની સગાઈ પણ તૂટી ગઈ હતી. પીડિતાના માતા-પિતાએ પોલીસને અપીલ કરી છે કે તેમને ન્યાય અપાવવો જોઇએ અને સમાજમાં આવા કેસ બંધ થવા જોઇએ.

(10:24 am IST)