મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

મહારાષ્ટ્ર : ૪૮ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૩૬ લોકોના મોત

મોટાભાગના મોત રાયગડ અને સાતારા જિલ્લાના છે. ભૂસ્ખલન ઉપરાંત ઘણા લોકો પૂરના પાણીમાં તણાઇ ગયા હતા

મુંબઇ,તા. ૨૪: રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૪૮ કલાકમાં મહારાષ્ટ્રમાં ભૂસ્ખલન સહિત વરસાદથી સંબંધિત ઘટનાઓમાં ૧૩૬ જેટલા લોકોનાં મોત થયાં છે.

જેમાં ૨૨ જુલાઇએ દરિયાકાંઠે રાયગડ જિલ્લાની મહાડ તહસીલના એક ગામમાં ભૂસ્ખલનમાં ૩૮ લોકોનાં મોત થયાં, એમ તેમણે પીટીઆઈને જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, 'મહારાષ્ટ્રમાં છેલ્લા ૪૮ કલાકમાં મૃત્યુઆંક ૧૩૬ પર પહોંચી ગયો છે. મોટાભાગના મોત રાયગડ અને સાતારા જિલ્લાના છે.' ભૂસ્ખલન ઉપરાંત ઘણા લોકો પૂરના પાણીમાં તણાઇ ગયા હતા.

અધિકારીએ પશ્યિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક ૨૭ પર મૂકયો હતો.

અન્ય જાનહાનિમાં ગોંદિયા અને ચંદ્રપુર જેવા પૂર્વીય જિલ્લાના અહેવાલોનો સમાવેશ થાય છે. રાયગડ જિલ્લામાં ભૂસ્ખલન ગુરુવારે સાંજે મહાડ તહસીલના તલાઈ ગામ નજીક થયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે, એનડીઆરએફ ટીમો અને સ્થાનિક અધિકારીઓ બચાવ કાર્યમાં રોકાયેલા છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શ્નસ્થળ પરથી અત્યાર સુધીમાં છત્રીસ મૃતદેહો મળી આવ્યા છે.

સાતારાની પાટણ તહસીલના અંબેઘર અને મીરગાંવ ગામોમાં પણ ગુરુવારે રાત્રે ભૂસ્ખલન થતાં કુલ આઠ મકાનો ધસી ગયા હોવાનું સાતારા ગ્રામીણના પોલીસ અધિક્ષક અજયકુમાર બંસલે જણાવ્યું હતું. પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા બે બનાવમાં હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી. આ ઉપરાંત દરિયાકાંઠે રત્નાગિરિ જિલ્લામાં ભૂસ્ખલન બાદ ૧૦ લોકો ફસાયા હોવાની આશંકા વ્યકત કરાઈ હતી.

(10:23 am IST)